‍પાકિસ્તાન સામેની સિરીઝ છોડીને રબાડા અને નૉર્કિયા આઇપીએલ રમવા મુંબઈ આવી ગયા

07 April, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સના પેસ અટૅકના આ બન્ને સારથિઓ ક્વૉરન્ટીનને લીધે શનિવારે વાનખેડેમાં ચેન્નઈ સામેના પ્રથમ મુકાબલામાં રમી નહીં શકે

એન્રિચ નૉર્કિયા, કૅગિસો રબાડા

દિલ્હી કૅપિટલ્સના પેસ અટૅકર કૅગિસો રબાડા અને એન્રિચ નૉર્કિયા ગઈ કાલે મુંબઈ આવી પહોંચ્યા હતા. જોકે દિલ્હીએ કૅપ્ટન શ્રેયસ ઐયર, અક્ષર પટેલ ઉપરાંત રબાડા અને નૉર્કિયા વિના જ ચેન્નઈ સુપર કિંગ્સ સામેના આ સીઝનના પ્રથમ મુકાબલામાં મેદાનમાં ઊતરવું પડશે. રબાડા અને નૉર્કિયાએ કોરોના-પ્રોટોકોલ પ્રમાણે ૭ દિવસ ફરજિયાત ક્વૉરન્ટીન થવું પડશે.

પાકિસ્તાન-સાઉથ આફ્રિકા વચ્ચે હાલમાં વન-ડે સિરીઝ ચાલી રહી છે અને બન્ને ટીમ એક-એક મૅચ જીતીને બરોબરની ટક્કર આપી રહી છે. આવતી કાલે ત્રીજો અને નિર્ણાયક મુકાબલો રમવાનો છે, પણ આફ્રિકાએ રબાડા અને નૉર્કિયા વિના મેદાનમાં ઊતરવું પડશે. નૉર્કિયા જબરદસ્ત ફૉર્મમાં છે અને તેણે પ્રથમ મૅચમાં ચાર અને બીજી મૅચમાં ત્રણ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.

બન્ને ખેલાડીઓ મુંબઈ આવી ગયા હોવાની જાણકારી દિલ્હી ફ્રૅન્ચાઇઝીએ ટ્વિટર પર આપી હતી. ફ્રૅન્ચાઇઝીએ કહ્યું હતું કે ‘દિલ્હી કૅપિટલ્સના પેસર કૅગિસો રબાડા અને એન્રિચ નૉર્કિયા મુંબઈમાં ટીમની હોટેલમાં આવી પહોંચ્યા છે. આ બન્ને ખેલાડીઓ ૭ દિવસ ક્વૉરન્ટીન રહેશે.’

ગઈ સીઝનમાં દિલ્હીને પ્રથમ વાર ફાઇનલમાં પહોંચાડવામાં આ બન્ને આફ્રિકન પેસરોનું મૂલ્યવાન યોગદાન હતું.

રબાડાએ જબરદસ્ત પર્ફોર્મન્સ દેખાડી સૌથી વધુ ૧૭ વિકેટ સાથે પર્પલ કૅપ મેળવી હતી, જ્યારે નૉર્કિયાએ પણ તેના પેસ વડે હાહાકાર મચાવતાં ૧૬ વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પર્ફોર્મન્સને લીધે દિલ્હીએ મિની ઑક્શન પહેલાં બન્નેને ટીમમાં રિટેઇન કર્યા હતા.

sports sports news cricket news indian premier league ipl 2021 delhi capitals