દમદાર દિલ્હી સામે ચેન્નઈ ચીત

11 April, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાનખેડેમાં ૧૮૯ રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કરીને પંત ઍન્ડ કંપનીની ધોનીસેના સામે જીતની હૅટ-ટ્રિક: ધવન બન્યો t ઑફ ધ મૅચ

રિટાયરમેન્ટ બાદ પહેલીવાર ભારતની ધરતી પર રમવા ઉતરેલો ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બીજા જ બૉલે એક પણ રન બનાવ્યા વગર બોલ્ડ થઈ ગયો હતો. (તસવીર: BCCI/IP)

આઇપીએલની ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી આ સીઝનની બીજી મૅચમાં દિલ્હીએ ગઈ સીઝનનું ફૉર્મ જાળવી રાખતાં ધમાકેદાર જીત સાથે શરૂઆત કરી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે આપેલો ૧૮૯ રનનો ટાર્ગેટ ઓપનરો શિખર ધવન અને મૅન ઇન સૉલિડ ફૉર્મ પૃથ્વી શૉના દમ પર ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. શિખર ધવન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. આ સાથે મહાગુરુ ધોનીને ચેલો પંત પહેલી મૅચમાં માત આપવામાં સફળ થયો હતો.

દિલ્હીની ચેન્નઈ સામે હૅટ-ટ્રિક

ગઈ સીઝનની બન્ને લીગ મૅચ બાદ ગઈ કાલની જીત સાથે દિલ્હીએ સતત ત્રણ મૅચમાં ચેન્નઈને હરાવીને જીતની હૅટ-ટ્રિક નોંધાવી હતી.

ધવન-પૃથ્વીનો ગ્રેટ શો

૧૮૯ રનના ટાર્ગેટ સામે દિલ્હીના ઓપનરો શિખર ધવન (૫૪ બૉલમાં બે સિક્સર અને ૧૦ ફોર સાથે ૮૫ રન) અને વિજય હઝારે ટ્રોફીમાં ચાર-ચાર લાજવાબ સેન્ચુરી ફટકારીને આવેલા પૃથ્વી શૉ (૩૮ બૉલમાં ૩ સિક્સર અને ૯ ફોર સાથે ૭૨ રન)એ ૧૩.૩ ઓવરમાં ૧૩૮ રનની ઓપનિંગ પાર્ટનર‌શિપ વડે દિલ્હીની જીત આસાન બનાવી દીધી હતી. કૅપ્ટન પંતે પહેલી જ મૅચમાં વિનિંગ શૉટ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ચેન્નઈની બોલિંગની જેમ ફીલ્ડિંગ પણ સાવ કથળેલી રહી હતી અને પૃથ્વી શૉના બે આસાન કૅચ છોડ્યા હતા.

રૈના-કરૅન-મોઇન ચમક્યા

દિલ્હીના યુવા કૅપ્ટન રિષભ પંતે તેનો પ્રથમ ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ નવી સીઝનની શરૂઆત ફક્ત ૭ રનમાં બે વિકેટ ગુમાવીને ખૂબ ખરાબ કરી હતી. મોઇન અલી (૨૪ બૉલમાં ૩૬), અંબાતી રાયુડુ (૧૬ બૉલમાં ૨૩) અને એક સીઝન બાદ ટીમમાં કમબૅક કરી રહેલા સુરેશ રૈના (૩૬ બૉલમાં ૫૪) ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગયા હતા. છેલ્લે રવીન્દ્ર જાડેજા (૧૭ બૉલમાં અણનમ ૨૬) અને સૅમ કરૅન (૧૫ બૉલમાં ૩૪) વચ્ચે સાતમી વિકેટ માટે ૫૧ રનની પાર્ટનરશિપે ચેન્નઈનો સ્કોર ૭ વિકેટે ૧૮૮ રન પર પહોંચાડ્યો હતો.

14 - રૈના હાફ સેન્ચુરી બાદ રનઆઉટ થઈ ગયો હતો. ટુર્નામેન્ટમાં એ કુલ આટલામી વાર રનઆઉટ થયો હતો. આ મામલે તે હવે ગૌતમ ગંભીર  (૧૬) અને શિખર ધવન (૧૫) બાદ ત્રીજા નંબરે પહોંચી ગયો છે.

રૈનાએ કરી રોહિત-વિરાટની બરોબરી

કમબૅક મૅન સુરેશ રૈનાની ગઈ કાલની હાફ-સેન્ચુરી તેની આઇપીએલ કરીઅરની ૩૯મી હતી. આ સાથે તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માની બરોબરી કરી લીધી છે. આ મામલે ભારતીયોમાં શિખર ધવન (૪૨) બાદ બીજા અને ઓવરઑલ ત્રીજા નંબરે પહોંચી ગયો હતો. ‌૪૮ હાફ-સેન્ચુરી સાથે ડેવિડ વૉર્નર નંબર-વન છે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings delhi capitals