ઍન્ગિડી અને બેહરેનડૉર્ફ બીજી મૅચમાં પણ નહીં રમી શકે

12 April, 2021 12:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ શરૂ થતાં પહેલાં ચેન્નઈએ સાઇન કરેલા જોશ હેઝલવુડે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

જેસન બેહરેનડૉર્ફ, લુન્ગી ઍન્ગિડી

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમતી ચેન્નઈ સુપર કિંગ્સે શનિવારે આઇપીએલના પહેલા મુકાબલામાં દિલ્હી કૅપિટલ્સ સામે ૭ વિકેટે પરાજય જોવો પડ્યો હતો. આ મૅચમાં ચેન્નઈની નબળી બોલિંગ જોવા મળી હતી. એક બાજુ જ્યાં આઇપીએલ શરૂ થતાં પહેલાં ચેન્નઈએ સાઇન કરેલા જોશ હેઝલવુડે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું ત્યાં બીજી બાજુ લુન્ગી ઍન્ગિડી હજી આઇસોલેશનમાં હોવાથી અને જેસન બેહરેનડૉર્ફ હજી ભારત પહોંચ્યો ન હોવાથી આવતી મૅચમાં પણ નહીં રમી શકે એવી ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગે ચોખવટ કરી હતી. ચેન્નઈનો આગામી મુકાબલો પંજાબ સામે ૧૬ એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થવાનો છે.

ઍન્ગિડી-બેહરેનડૉર્ફની ગેરહાજરી

આ બન્ને ખેલાડીઓની ગેરહાજરી વિશે વાત કરતાં ફ્લેમિંગે કહ્યું કે ‘ઍન્ગિડી બીજી મૅચમાં નહીં રમી શકે. હેઝલવુડની જગ્યાએ તેને ટીમમાં સામેલ કરવાની જે યોજના હતી એ આગામી મૅચમાં કામ નહીં લાગે. ઍન્ગિડી જલદી ટીમમાં સામેલ થશે અને ત્યાર બાદ બેહરેનડૉર્ફ પણ ટીમમાં સામેલ થશે છતાં અમે ભારતીય બોલરોનો વિકલ્પ અપનાવી રહ્યા છીએ અને આંતરરાષ્ટ્રીય બોલર તરીકે કરૅન પાસેથી થોડી વધારે જવાબદારીની આશા રાખીએ છીએ.’

પોતાની વાત આગળ વધારતાં ફ્લેમિંગે કહ્યું કે ‘આવતી ચાર મૅચ અહીં જ રમાવાની હોવાથી અમને ઘણું શીખવા મળશે, પણ અમને ઓછા આંકવાની જરૂર નથી. અમે ખરેખર ચેન્નઈની જ ટીમ છીએ. જે પ્રમાણે મુંબઈએ ચેન્નઈમાં બૅન્ગલોર સામેની મૅચમાં પરિશ્રમ કરવો પડ્યો હતો એ જ પ્રમાણે અમારે પણ અહીં મુંબઈમાં થોડો પરિશ્રમ કરવો પડી રહ્યો છે. જોકે અમારી ગણતરી થોડી વધારે સારી રહી.’

રૈનાની ઇનિંગ્સ પર આફરીન

સ્ટીફન ફ્લેમિંગે સુરેશ રૈનાની ઇનિંગ્સનાં વખાણ કર્યાં હતાં. ફ્લેમિંગે કહ્યું કે ‘રૈના ઘણું સારું ક્રિકેટ રમ્યો. અમે એક આક્રમક ખેલાડી તરીકે મોઇન અલીને આગળના ક્રમમાં બૅટિંગ કરવા માટે મોકલ્યો હતો. બે-ત્રણ બાઉન્ડરી ગયા બાદ તે સારું ક્રિકેટ રમ્યો. અમારા માટે આ ઘણા સારા સંકેત છે કે શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ પણ અમે ૧૮૮ રન સુધીપહોંચી શક્યા. થોડો ભેજ હોવાથી અમારા માટે તકલીફ ઊભી થઈ હતી છતાં દિલ્હીની ટીમ ઘણું સારું રમી હતી.’

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings