મુંબઈ જેવી દામ્બુલાની પિચ પર જેમાઇમા પ્લેયર ઑફ ધ મૅચ

24 June, 2022 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અણનમ ૩૬ રને જિતાડતાં ભારતે શ્રીલંકામાં ટી૨૦માં અપરાજિત રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો ઃ ઑપનર શેફાલી વર્માએ પહેલી વાર બોલિંગ કરી અને ૧ વિકેટ લીધી

જેમાઇમા રૉડ્રિગ્સ

હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની મહિલા ટીમે ગઈ કાલે દામ્બુલામાં શ્રીલંકાની વિમેન્સ ટીમને સિરીઝની પહેલી ટી૨૦માં ૩૪ રનથી હરાવી ત્યાર પછી પ્લેયર ઑફ ધ મૅચ જેમાઇમા રૉડ્રિગ્સે (૩૬ અણનમ, ૨૭ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) કહ્યું કે ‘મને આ પિચ પર રમવાનું ખૂબ ગમ્યું. હું મુંબઈમાં રહું છું અને અહીંની પિચ ત્યાંના જેવી જ હતી. હું આવી પિચો પર રમવા ટેવાયેલી છું. મને શ્રીલંકા ખૂબ જ પ્રિય છે અને અહીં રમવા આવવું મને ખૂબ ગમ્યું છે. હું તો ભારતથી વિમાનમાં બેઠી ત્યારથી અહીં આવવા તત્પર હતી.’

ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૬ રન બનાવ્યા પછી શ્રીલંકાની ટીમ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૦૪ રન બનાવી શકી હતી. રાધા યાદવે બે તેમ જ દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી હતી. શેફાલીએ પહેલી જ વાર બોલિંગ કરીને ઑફ-સ્પિનમાં કરીઅરની પ્રથમ વિકેટ લીધી હતી.

ભારત સિરીઝમાં ૧-૦થી આગળ થયું છે. ભારતીય મહિલા ટીમે શ્રીલંકામાં અપરાજિત રહેવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો છે. શ્રીલંકા ઘરઆંગણે ભારતની વિમેન્સ ટીમને ટી૨૦માં ક્યારેય નથી હરાવી શકી. છેલ્લે તેઓ ૨૦૧૪માં ભારતમાં ભારત સામે જીતી હતી. ભારત સામેની કુલ ૧૯ મૅચમાં શ્રીલંકા ફક્ત ૩ મૅચ જીત્યું છે.

શેફાલીના ૩૧ બૉલમાં ૩૧ રન
ભારતના ૧૩૮ રનમાં પાંચમા નંબરની બૅટર જેમાઇમા ઉપરાંત ઓપનર શેફાલી વર્મા (૩૧ રન, ૩૧ બૉલ, ચાર ફોર), હરમનપ્રીત (૨૨ રન, ૨૦ બૉલ, ત્રણ ફોર), પૂજા વસ્ત્રાકર (૧૪ રન, ૧૨ બૉલ, બે ફોર) અને દીપ્તિ શર્મા (૧૭ અણનમ, ૮ બૉલ, ત્રણ ફોર)નનાં યોગદાન પણ હતાં. શ્રીલંકાની ઇનોકા રણવીરાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકાના ૧૦૪ રનમાં કવિશા દિલહારીના અણનમ ૪૭ રન હાઇએસ્ટ હતા. 

૨૦મી ઓવરમાં બન્યા ૨૦ રન
ભારતે ૨૦મી ઓવરમાં ૨૦ રન બનાવ્યા હતા. દીપ્તિ શર્માએ દિલહારીની એ ઓવરના ત્રણ બૉલમાં ત્રણ ફોર (હૅટ-ટ્રિક ફોર) ફટકારી હતી. ઇનિંગ્સના આખરી બૉલમાં જેમાઇમાએ છગ્ગો ફટકાર્યો હતો.

14
ગઈ કાલે કુલ આટલી બોલર્સે બોલિંગ કરી હતી જેમાંથી ૭ શ્રીલંકાની અને ૭ ભારતની હતી. યોગાનુયોગ કુલ ૭ બોલર્સને વિકેટ મળી હતી અને ૭ બોલર્સ વિકેટ વિનાની હતી.

1
ગઈ કાલની મૅચમાં માત્ર આટલી સિક્સર ફટકારાઈ હતી અને એ ભારતની જેમાઇમા રૉડ્રિગ્સે ભારતની ઇનિંગ્સના છેલ્લા બૉલમાં ફટકારી હતી.

"શ્રીલંકાના અગાઉના પ્રવાસ પછી મારી કરીઅરમાં ઉતાર-ચડાવ આવતા રહ્યા હતા. મેં રોહિત શર્મા અને રિષભ પંત સાથે ચર્ચા કરી હતી, જેમાં તેમણે મને કહ્યું કે નિરાશાનો તબક્કો જ કારકિર્દીને નવો વળાંક અપાવશે. વર્લ્ડ કપ પહેલાં ટીમમાંથી ડ્રૉપ થવાની હતાશાને દિલ પર ન લેવાની અને ભવિષ્ય વિશે સકારાત્મક વલણ રાખવાની તેમણે મને સલાહ આપી હતી. તેમની સાથે ચર્ચા કરવા મળી એ બદલ હું પોતાને ભાગ્યશાળી માનું છું." : જેમાઇમા રૉડ્રિગ્સ

sports sports news cricket news indian womens cricket team india sri lanka