ઝુલનને લૉર્ડ્‍સમાં ક્લીન-સ્વીપ સાથે સેન્ડ-ઑફ આપવું છે : હરમનપ્રીત

23 September, 2022 12:16 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઝુલન રિટાયર થઈ રહી છે. લૉર્ડ્‍સની મૅચ તેની કરીઅરની આખરી મૅચ છે

ઝુલન ગોસ્વામી અને હરમનપ્રીત કૌર

હરમનપ્રીત કૌરના સુકાનમાં કૅન્ટબરીમાં બુધવારે ભારતે યજમાન ઇંગ્લૅન્ડને વન-ડે સિરીઝની સતત બીજી મૅચમાં ૮૮ રનથી હરાવીને ત્રણ મૅચ માટેની શ્રેણીની ટ્રોફી પર કબજો તો કરી જ લીધો, હવે આવતી કાલે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૩૦ વાગ્યાથી) ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્‍સમાં આખરી મૅચ રમાશે અને એ પણ જીતીને રિટાયર થઈ રહેલી પેસ-લેજન્ડ ઝુલન ગોસ્વામીને અવિસ્મરણીય સેન્ડ-ઑફ આપવા ખુદ હરમન તેમ જ ટીમની બાકીની પ્લેયર્સ મક્કમ છે. છેલ્લે ૨૦૧૭માં લૉર્ડ્‍સમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે થયેલી હારનો બદલો લેવાનો પણ ભારતીય મહિલા ટીમને મોકો છે.

ઝુલન માટે સિરીઝ-વિજયની ગિફ્

વર્તમાન સિરીઝના અંતે રિટાયરમેન્ટ લઈ રહેલી ઝુલનને ભારતીય ટીમ સિરીઝ જીતીને ગિફ્ટ તરીકે શ્રેણી-વિજયની ફેરવેલ આપી રહી છે. આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ હરમનપ્રીતે બુધવારે ભારતના વિજય બાદ કહ્યું કે ‘શનિવારની લૉર્ડ્‍સની મૅચ અમારા બધા માટે સ્પેશ્યલ છે, કારણ કે ઝુલન રિટાયર થઈ રહી છે. લૉર્ડ્‍સની મૅચ તેની કરીઅરની આખરી મૅચ છે. અમે એ મૅચ કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર એન્જૉય કરવા માગીએ છીએ. અમે સિરીઝ જીતી લીધી એટલે હવે શનિવારે અમારા માટે એ ફન-મૅચ બની રહેશે.’હરમને ૨૦૦૯માં ઓડીઆઇમાં ડેબ્યુ કર્યું ત્યારે ઝુલન ટીમની કૅપ્ટન હતી.

હરમન પ્લેયર ઑફ ધ મૅચ

બુધવારે પ્લેયર ઑફ ધ મૅચ હરમનપ્રીત કૌર (૧૪૩ અણનમ, ૧૧૧ બૉલ, ચાર સિક્સર, અઢાર ફોર)ની યાદગાર સદીની મદદથી ભારતે પાંચ વિકેટે સેકન્ડ-બેસ્ટ ૩૩૩ રન બનાવ્યા હતા. હર્લીન દેઓલે ૫૮ અને સ્મૃતિ મંધાનાએ ૪૦ રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી ૧૦ ઓવરમાં ૧૨૧ રન બનાવ્યા હતા. એમાં હરમને ૧૧ બૉલમાં બનાવેલા ૪૩ રન સામેલ હતા. ઇંગ્લૅન્ડની ટીમ ૩૩૪ રનના લક્ષ્યાંક સામે ૪૪.૨ ઓવરમાં ૨૪૫ રન પર ઑલઆઉટ થતાં ભારતનો ૮૮ રનથી વિજય થયો હતો. ડૅની વ્યૉટ (૬૫ રન, ૫૮ બૉલ, છ ફોર)ને ભારતીય બોલર્સની અસરદાર બોલિંગને કારણે બીજી કોઈ પણ બૅટરનો લાંબા સમય સુધી સાથ નહોતો મળ્યો. કૅપ્ટન ઍમી જોન્સ ૩૭ રન બનાવી શકી હતી.

ભારતની ૮ પ્લેયરે કરી બોલિંગ

ઇંગ્લૅન્ડની ટીમને તેના જ આંગણે શ્રેણીમાં હરાવવાનો ભારતીય ટીમને પાંચ વર્ષે સારો મોકો મળ્યો હતો એટલે કૅપ્ટન હરમનપ્રીતે ધમાકેદાર બૅટિંગ કર્યા પછી ફીલ્ડિંગ દરમ્યાન પણ કોઈ કસર નહોતી છોડી. તે પોતે ઑફ-સ્પિન કરી જાણે છે, પરંતુ તેણે પોતે બોલિંગ લેવા કરતાં મુખ્ય બોલર્સ ઉપરાંત પાર્ટ-ટાઇમ બોલર્સને પણ બોલિંગ આપીને બ્રિટિશ ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. ભારત વતી કુલ આઠ બોલર્સે બોલિંગ કરી હતી. રેણુકા સિંહે ચાર, દયાલન હેમલતાએ બે તેમ જ દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી હતી. ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ અને હર્લીન દેઓલને વિકેટ નહોતી મળી.

5
આટલાં વર્ષ બાદ ભારત અને ઇંગ્લૅન્ડની મહિલા ટીમ લૉર્ડ્‍સમાં ફરી સામસામે આવી રહી છે. 

23
ભારતીય મહિલા ટીમ આટલાં વર્ષ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી વન-ડે સિરીઝ જીતવામાં સફળ થઈ.

sports news sports indian cricket team indian womens cricket team harmanpreet kaur