10 July, 2026 04:39 PM IST | Australia | Gujarati Mid-day Online Correspondent
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (સૌજન્ય: મિડ-ડે)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક લૉર્ડ્સ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ (England) સામે ટેસ્ટ મેચ (Test Match) રમશે. ટીમ ઇન્ડિયા (Team India) T20 વર્લ્ડ કપમાં પોતાના ખરાબ પ્રદર્શનને બાજુ પર રાખીને આ ઐતિહાસિક ટેસ્ટ મેચમાં પોતાનું સર્વસ્વ આપવા માટે તૈયાર છે. T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) શુક્રવારથી લૉર્ડ્સ ખાતે શરૂ થનારી પ્રથમ મહિલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો સામનો કરતી વખતે આ પરાજયને દૂર કરવાનો પ્રયાસ કરશે. T20 વર્લ્ડ કપમાંથી ભારતની વહેલી બહાર થવાથી તેમને ટેસ્ટ મેચની તૈયારી માટે વધુ સમય મળ્યો છે. આ મેચ "હોમ ઑફ ક્રિકેટ" તરીકે ઓળખાતા લૉર્ડ્સ ખાતે પ્રથમ પુરુષોની ટેસ્ટના 142 વર્ષ પછી રમાશે. ભારતીય ટીમે અગાઉ માર્ચમાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી હતી. ભારતીય ટીમ વોર્મ્સલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રૅક્ટિસ કરી રહી છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ અમોલ મુઝુમદારે કહ્યું કે ટીમ પહેલીવાર લૉર્ડ્સમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું, "લૉર્ડ્સ ખાતે આ અમારી પહેલી ટેસ્ટ છે, અને મને આ તક મળી તે માટે હું ભાગ્યશાળી છું." તેમણે ઉમેર્યું કે ટેસ્ટ મેચ રમવી એ કોઈપણ ભારતીય ક્રિકેટર માટે સ્વપ્ન જેવું છે.
ઑસ્ટ્રેલિયામાં (Australia) ટેસ્ટ સિરીઝમાં સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને શેફાલી વર્માએ (Shefali Verma) ઇનિંગ્સની શરૂઆત કરી હતી અને તેમને અહીં તક આપવામાં આવશે. ઇજાગ્રસ્ત પ્રતિકા રાવલના સ્થાને પ્રિયા પુનિયાનું નામ આપવામાં આવ્યું છે. ભારતે ઇંગ્લેન્ડ સામેની છેલ્લી ચાર મેચમાંથી ત્રણ જીતી છે અને હજુ સુધી ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ હાર્યું નથી. ભારત માટે હરલીન દેઓલ, સ્પિનર શ્રી ચારાની અને ઝડપી બૉલર નંદની શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
બીજી બાજુ, મહિલા T20 વર્લ્ડ કપ રનર-અપ ઇંગ્લેન્ડની ટીમમાં પાંચ નવી ખેલાડીઓ છે: એલિસ કેપ્સી, ટિલી કોર્ટની કોલમેન, મેડી વિલિયર્સ, ગ્રેસ પોટ્સ અને એલી ટાય. તેમની ઓપનિંગ બેટ્સમેન, ટેમી બ્યુમોન્ટે આ ટેસ્ટ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, શ્રી ચરણી, યાસ્તિકા ભાટિયા, નંદિની શર્મા, હરલીન દેઓલ, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, સયાલી સતઘરે, સ્નેહ રાણા, પ્રિયા પુનિયા.
ઇંગ્લેન્ડ: નેટ સાયવર બ્રન્ટ (કેપ્ટન), ટેમી બ્યુમોન્ટ, લોરેન બેલ, મેયા બાઉચિયર, એલિસ કેપ્સી, ટિલી કોર્ટની કોલમેન, સોફી એક્લેસ્ટોન, લોરેન ફિલર, એમી જોન્સ, હીથર નાઈટ, એમ્મા લેમ્બ, ગ્રેસ પોટ્સ, એલી ટાય, મેડી વિલિયર્સ, ઇસી વોંગ.