શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને રવીન્દ્ર જાડેજાને સ્થાન મળશે?

28 July, 2026 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય ટીમની જાહેરાત આજે થઈ શકે છે. વૉશિંગ્ટન સુંદર સહિત કેટલાક ખેલાડીઓની ફિટનેસ પર સસ્પેન્સ હોવાથી સિલેક્ટર્સ ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા

ભારતીય મેન્સ ટીમ હવે ઑગસ્ટ મહિનાના બીજા ભાગમાં ક્રિકેટના મેદાન પર રમવા ઊતરશે. શુભમન ગિલની આગેવાનીમાં ભારતીય ટીમ બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમવા માટે શ્રીલંકા જશે. આ સિરીઝ ૧૫થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન રમાશે.
આ સિરીઝ માટે આજે ટીમની જાહેરાત થઈ શકે છે. જોકે આ સિરીઝ પહેલાં કેટલાક ખેલાડીઓ ફિટનેસને કારણે ટેસ્ટ-ટીમમાંથી સ્થાન ગુમાવી શકે છે. 
અહેવાલ અનુસાર યંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર શ્રીલંકા સામેની શરૂઆતની મૅચમાં નહીં રમી શકશે. વૉશિંગ્ટન સુંદર ઇંગ્લૅન્ડમાં બીજી વન-ડે મૅચમાં હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે આખી સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. તે એવો ખેલાડી છે જેને ગૌતમ ગંભીર અને શુભમન ગિલ વારંવાર પ્રાથમિકતા આપે છે.
IPL 2026 પછી અનુભવી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ભારત માટે રમી શક્યો નથી. રવીન્દ્ર જાડેજા છેલ્લે નવેમ્બર ૨૦૨૫માં છેલ્લી ટેસ્ટ-સિરીઝ અને જાન્યુઆરી ૨૦૨૬માં છેલ્લી વન-ડે સિરીઝમાં રમ્યો હતો. ત્યાર પછી રવીન્દ્ર જાડેજાને ભારતીય સ્ક્વૉડમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી. 
ભારતીય સિલેક્ટર્સ બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાંથી ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં મુખ્યત્વે વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, આકાશ દીપ અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓની ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી પણ ત્યાં ફિટનેસ પર કામ કરી રહ્યા છે. જોકે તેઓ ટેસ્ટ-ટીમનો ભાગ નથી.

sports news sports cricket news ravindra jadeja washington sundar shubman gill jasprit bumrah india sri lanka