ટૅલન્ટેડ અર્શદીપ યુવા વર્ગ માટે પ્રેરણાઃ પંજાબના મિનિસ્ટર

06 September, 2022 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પંજાબના ખેલકૂદ પ્રધાન ગુરમીત સિંહ મીત હેયર ગઈ કાલે અર્શદીપની વહારે આવ્યા હતા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ મેચ દરમિયાન આસિફ અલીને આઉટ કર્યા બાદ ઉજવણી કરી રહેલ અર્શદીપ સિંહ. તસવીર/એએફપી

રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં અત્યંત મહત્ત્વના સમયે અર્શદીપ સિંહથી આસિફ અલી (૮ બૉલમાં ૧૬ રન)નો કૅચ છૂટી ગયો એ બદલ અર્શદીપ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થયો હતો, પરંતુ કેટલાક ખેલાડીઓએ તેમ જ પંજાબના ખેલકૂદ પ્રધાન ગુરમીત સિંહ મીત હેયર ગઈ કાલે અર્શદીપની વહારે આવ્યા હતા. યોગાનુયોગ અર્શદીપે છેલ્લી ઓવરમાં એક યૉર્કરમાં આસિફને એલબીડબ્લ્યુમાં આઉટ કર્યો હતો.

હેયરે આઇ.એ.એન.એસ.ને જણાવ્યું કે ‘અર્શદીપ ભરપૂર ટૅલન્ટવાળો ખેલાડી છે અને નજીકના ભવિષ્યમાં તેની પાસે ઘણી અપેક્ષા રાખવામાં આવશે. તે સેંકડો યુવાનો માટે પ્રેરણા છે. હાર-જીત તો થયા કરે. રમતગમતમાં નફરતને કોઈ સ્થાન નથી. કોઈ પ્લેયરથી એક કૅચ છૂટે એટલે તેને ટ્રોલ કરવો એવી પછાત માનસિકતાને પણ સ્પોર્ટ્સમાં કોઈ સ્થાન નથી.’

અર્શદીપની મમ્મી બલજિત કૌર દુબઈમાં છે. હેયરે ગઈ કાલે અર્શદીપની મમ્મી સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે ‘ચિંતા ન કરતાં, આખો દેશ તમારા પુત્રના પડખે છે. તમારો પુત્ર ભારત પાછો આવશે ત્યારે હું પોતે તેના સ્વાગત માટે ઍરપોર્ટ પર જઈશ.’

ક્રિકેટરોમાં ‍અર્શદીપના બચાવમાં કોણે શું કહ્યું?

(૧) વિરાટ કોહલી : ભૂલ તો દરેકથી થાય. એ વખતે સ્થિતિ ખૂબ પ્રેશરવાળી અને તંગ હતી અને એવી સ્થિતિમાં ભૂલ થઈ જાય. મને યાદ છે કે મારી પહેલી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં શાહિદ આફ્રિદીના બૉલમાં હું ખરાબ શૉટ રમ્યો જેને કારણે મારે વિકેટ ગુમાવવી પડી હતી. મને એટલો અફસોસ થયો કે સવારે પાંચ વાગ્યા સુધી હું ‘એ ભૂલ મેં કેમ કરી’ એના પર વિચાર કરતો રહ્યો હતો. હું બરાબર સૂઈ નહોતો શક્યો અને ડરતો હતો કે મારી કરીઅર અહીં જ પૂરી થઈ જશે. જોકે પછીથી બધું ઠીક થઈ ગયું હતું. ટીમના સિનિયર પ્લેયર્સના સપોર્ટથી મન ઘણું હળવું થઈ જતું હોય છે. અત્યારે ટીમમાં બહુ સારું વાતાવરણ છે અને એનો જશ કૅપ્ટન અને કોચને જાય છે. ખેલાડીઓ પોતાની ભૂલ પરથી શીખતા હોય છે.

(૨) હરભજન સિંહ : યુવાન અર્શદીપ સિંહની ટીકા કરવાનું બંધ કરો. કોઈ પણ ખેલાડી જાણીજોઈને કૅચ ન છોડે. પાકિસ્તાનની ટીમ સારું રમી, પણ આપણા ખેલાડીઓ પર આપણને ગર્વ છે. આપણા જ ખેલાડીઓને વખોડતાં લોકોને શરમ આવવી જોઈએ. અર્શ ઇઝ ગોલ્ડ.’

(૩) ઇરફાન પઠાણ : અર્શદીપ સિંહ ખૂબ મજબૂત મનોબળવાળો ખેલાડી છે. તેને મારી સલાહ છે કે આવું જ મનોબળ જાળવી રાખજે. ભારતીય ખેલપ્રેમીઓને મારી વિનંતી  છે કે અમે પણ માણસ છીએ એટલે ભૂલ તો થાય. આવી ભૂલ બદલ મહેરબાની કરીને કોઈનો માનભંગ ન કરો.’

sports news sports indian cricket team cricket news punjab virat kohli harbhajan singh irfan pathan