શમીએ કરાવી વાપસી

23 June, 2021 08:15 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

કિવીઓ ૨૪૯ રનમાં ઑલઆઉટ, વિલિયમસન અને પૂંછડિયાઓને લીધે ન્યુ ઝીલૅન્ડને મળી ૩૨ રનની લીડ : ભારતે બીજી ઇનિંગ્સમાં ગુમાવી ગિલની વિકેટ

બીજે વૅટલિંગની વિકેટની ઉજવણી કરતો મોહમ્મદ શમી. તેણે શાનદાર ચાર વિકેટ લીધી હતી (તસવીરઃ પી.ટી.આઇ)

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે ઇંગ્લૅન્ડના સધમ્પ્ટનમાં રમાતી વરસાદના વિઘ્નવાળી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલના પાંચમા દિવસે મૅચમાં વાપસી કરી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૨૪૯ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં આ લખાય છે ત્યાં સુધી ભારતે ઓપનર શુભમન ગિલની વિકેટ ગુમાવીને ૧૭ ઓવરમાં ૩૫ રન કર્યા હતા. રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા રમી રહ્યા હતા. એક સમયે બે વિકેટે ૧૦૧ રન સાથે મજબૂત જણાતી કિવી ટીમ લંચ સમયે ૧૩૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. કૅપ્ટન કેન વિલિયમસનના ૪૯ તેમ જ પૂંછડિયાઓના પ્રદર્શનને કારણે ન્યુ ઝીલૅન્ડની ટીમ જોકે ૩૨ રનની લીડ લેવામાં  સફળ થઈ હતી. મૉર્નિંગ સેશનમાં શમીએ ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમેનોને ટકવા દીધા નહોતા. તેણે ૨૬ ઓવરમાં ૭૬ રન આપી ૪ વિકેટ લીધી હતી. બીજી તરફ ઈશાન્ત શર્માએ ૨૫ ઓવરમાં ૪૮ રન આપી ૩ વિકેટ લીધી હતી.

શમીએ ટેલરને સૌથી પહેલાં આઉટ કર્યો હતો. ત્યાર બાદ હેન્રી નિકોલસની વિકેટ ઈશાન્તે લીધી હતી. વૉટલિંગને શમીએ બોલ્ડ કર્યો હતો તો કોલિન ડી ગ્રૅન્ડમોરને એલબીડબ્યુ કર્યો હતો. નીલ વૅગનરની વિકેટ અશ્વિને લીધી હતી.

કૅપ્ટન વિલિયમસન એક રન માટે હાફ-સેન્ચુરી ચૂકી ગયો હતો. તેની વિકેટ ઈશાન્તે લીધી હતી. જોકે એ પહેલાં તેણે ડિફે​ન્સિવ રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે ન્યુ ઝીલૅન્ડના પૂંછડિયા બૅટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા હતા. જૅમિસને આક્રમક ૨૧ રન કર્યા હતા તો સાઉધીએ પણ ૩૦ રન કર્યા હતા.

સુપરમૅન નહીં, શુભમૅન

મોહમ્મદ શમીએ ગઈ કાલે મૅચના પાંચમા દિવસે રૉસ ટેલર (૧૧)ને આઉટ કરાવીને ભારતને પહેલી સફળતા અપાવી હતી. શમીએ ફુલ લેંગ્થ બૉલ નાખીને ટેલરને ડ્રાઇવ શૉટ ફટકારવાની ફરજ પાડી હતી. મિડ-ઑફ પર ઊભા રહેલા ૨૨ વર્ષના યુવા ફીલ્ડરે જમણી તરફ ડાઇવ લગાવીને શાનદાર કૅચ પકડ્યો હતો. થોડાક સમયમાં જ આ કૅચ વાઇરલ થઈ ગયો. એક યુઝર તેને ‘સુપરમૅન નહીં, શુભમૅન’ નામ આપ્યું તો કોઈકે ‘ઊડતા પંજાબી’અને કોઈકે ‘ફ્લાઇંગ ગિલ’ નામથી શુભમન ગિલને નવાજ્યો હતો.

sports sports news cricket news test cricket india new zealand