રેઇન રેઇન ગો અવે

22 June, 2021 09:51 AM IST  |  Southampton | Gujarati Mid-day Correspondent

ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ટેસ્ટ ચૅમ્પિયનશિપ મૅચના ચોથા દિવસની રમત વરસાદને કારણે રદ, આગામી બે દિવસ દરમ્યાન વરસાદ નહીં પડે એવી આગાહી

સધમ્પ્ટનના મેદાનમાં વરસાદી પાણીને શોષવા ઉપયોગમાં લેવાતા સુપર સોપર્સ (તસવીરઃ એ.એફ.પી.)

ઇંગ્લૅન્ડની મોસમ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ખરાબ સાબિત થઈ છે, કારણ કે ગઈ કાલનો ચોથો દિવસ પણ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. આ પહેલાં પ્રથમ દિવસે પણ ભારે વરસાદને કારણે કોઈ રમત શક્ય બની નહોતી. હૅમ્પશર બાઉલમાં વાતાવરણમાં સવારથી કોઈ સુધારો જોવા ન મળતાં ચાર કલાક અને ૩૦ મિનિટ બાદ અમ્પાયરોએ સતત વરસાદને કારણે મૅચના આખો દિવસ મોકૂક રાખ્યો હતો.

મૅચ શરૂ થશે એવી આશાએ બેઠેલા ક્રિકેટપ્રેમીઓએ નિરાશ થવું પડ્યું હતું. ભારતીય ​ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરતાં હાજર રહેલા પ્રશંસકોનો આભાર માન્યો હતો. હવે બાકીના બે દિવસ દરમ્યાન વરસાદ પડે એવી શક્યતા નથી, પરંતુ વરસાદ ન હોય તો ખરાબ પ્રકાને કારણે પણ મૅચમાં ખલેલ પડી શકે છે. બીજા અને ત્રીજા દિવસે આવું જ થયું હતું. મૅચનું પરિણામ આવે એ માટે ૧૯૬ ઓવરની મૅચ થવી જોઈએ. જો એમ નહીં થાય તો મૅચ ડ્રૉ જાહેર કરીને બન્ને ટીમ વચ્ચે ટ્રોફી વહેંચવામાં આવશે.

દુબઈમાં રમાડવી હતીને ફાઇનલ: પીટરસન

ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ ઇંગ્લૅન્ડમાં રમાડવાના આઇસીસીના નિર્ણયની ચારે તરફથી ટીકા થઈ રહી છે, જેમાં ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન કેવિન પીટરસનનું નામ પણ જોડાયું છે. પીટરસને કહ્યું કે ‘મને આ કહેતાં ઘણું દુઃખ થાય છે, પરંતુ આટલી મહત્ત્વની ટેસ્ટ મૅચ યુકેમાં રમાડવી નહોતી જોઈતી. જો મારા હાથમાં કંઈક કરવાની સત્તા હોત તો હું આ ફાઇનલ દુબઈમાં આયોજિત કરત, કારણ કે આઇસીસીનું ત્યાં હેડક્વૉર્ટર પણ છે તેમ જ અહીં વરસાદ પડવાની પણ કોઈ શક્યતા રહેતી નથી.’

sports sports news cricket test cricket india new zealand