30 January, 2026 10:09 AM IST | Visakhapatnam | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવ
વિશાખાપટનમમાં બુધવારે ૫૦ રને હાર થતાં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૨૩થી T20માં સતત પાંચ મૅચથી ચાલી આવતો વિજયરથ અટક્યો હતો. કિવીઓએ ભારત સામે આ ફૉર્મેટમાં સૌથી વધુ પાંચમી વખત ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. ૨૧૫-૭ના સ્કોર સામે ટીમ ઇન્ડિયાને ૧૮.૪ ઓવરમાં ૧૬૫ રન પર ઢેર કરીને ન્યુ ઝીલૅન્ડે સપ્ટેમ્બર ૨૦૨૩થી ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને ભારત જેવી ટૉપ-થ્રી ટીમો સામે સતત ૧૩ T20 મૅચથી હારવાનો સિલસિલો પણ અટકાવ્યો હતો.
પાંચ મૅચની સિરીઝની સ્કોર-લાઇન ૩-૧ થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમની પછી ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ખુલાસો કર્યો કે ‘અમે આજે જાણીજોઈને ૬ બૅટ્સમેન સાથે રમ્યા. અમે પાંચ સંપૂર્ણ બોલરો ઇચ્છતા હતા અને પોતાને પડકારવા માગતા હતા. ઉદાહરણ તરીકે જો આપણે ૨૦૦ કે ૧૮૦ રનનો પીછો કરી રહ્યા હોઈએ તો અમે જોવા માગતા હતા કે જો બે કે ત્રણ વિકેટ ગુમાવીએ તો કેવી રીતે કમબૅક કરી શકીએ? પરંતુ દિવસના અંતે આ સારી શીખ હતી. અમે વર્લ્ડ કપ ટીમનો ભાગ રહેલા બધા ખેલાડીઓને રમાડવા માગતા હતા.’
કૅપ્ટન સૂર્યાએ અંતે કહ્યું હતું કે ‘મૅચમાં અમે જ્યારે પણ પહેલાં બૅટિંગ કરવા ઊતરીએ છીએ ત્યારે ખૂબ સારી બૅટિંગ કરીએ છીએ. ટાર્ગેટ ચેઝ કરવો એક સારો પડકાર હતો. આશા છે કે આગામી મૅચમાં ફરી ટાર્ગેટ ચેઝ કરવાની તક મળે.’
સામાન્ય રીતે ભારતીય ટીમ આઠમા ક્રમ સુધી બૅટિંગ કરી શકે એવા ક્રિકેટર્સની પ્લેઇંગ ઇલેવન બનાવે છે. હાલમાં ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ પહેલાં ટીમ-કૉમ્બિનેશનમાં પ્રયોગો કરીને પોતાને દરેક પડકાર માટે તૈયાર કરી રહી છે. આવતી કાલે ૩૧ જાન્યુઆરીએ કેરલાના તિરુવનંતપુરમમાં સિરીઝની અંતિમ મૅચ રમાશે.