T20 વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇ​​ન્ડિયાનો આત્મવિશ્વાસ સાતમા આસમાને

01 February, 2026 09:04 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

પાંચમી મૅચમાં ૨૭૧ રન ફટકાર્યા બાદ ભારતે ૪૬ રને જીત મેળવીને સિરીઝ ૪-૧થી કબજે કરી : ઈશાન કિશનની ૪૨ બૉલની સદી બાદ અર્શદીપ સિંહે પહેલી વખત પાંચ વિકેટ ઝડપી : સંજુ સૅમસન સતત પાંચમી મૅચમાં ફ્લૉપ

ઈશાન કિશનનું કમાલનું પ્રદર્શન: રન -૧૦૩, બૉલ – ૪૩, ફોર – ૬, સિક્સ – ૧૦, સ્ટ્રાઇક-રેટ - ૨૩૯ .૫૩

ન્યુ ઝીલૅન્ડ સામે તિરુવનંતપુરમમાં અંતિમ મૅચ જીતીને ભારતીય ટીમે પાંચ T20 મૅચની સિરીઝ ૪-૧થી પોતાને નામે કરી છે. ભારતીય ટીમે શતકવીર ઈશાન કિશન અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવની ચોથી વિકેટની ૧૩૭ રનની પાર્ટનરશિપના આધારે ૨૭૧/૫નો પોતાનો ત્રીજો હાઇએસ્ટ T20 સ્કોર નોંધાવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે કોઈ પણ ટીમે ફટકારેલો આ સૌથી મોટો T20 સ્કોર હતો. ન્યુ ઝીલૅન્ડ ૧૯.૪ ઓવરમાં ૨૨૫/૧૦નો સ્કોર જ કરી શક્યું હતું. ૪૬ રનની જીત સાથે ભારતે વર્લ્ડ કપ પહેલાં જબરદસ્ત આત્મવિશ્વાસ મેળવી લીધો છે.

પાંચ ઓવરમાં ૪૮ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવ્યા બાદ ઈશાન કિશને T20 ઇન્ટરનૅશનલની પોતાની ૩૬મી મૅચમાં ભારત માટે આ ફૉર્મેટની પહેલી સદી ૪૨ બૉલમાં ફટકારી મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે ૨૩૯.૫૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૩ બૉલમાં ૬ ફોર અને ૧૦ સિક્સની મદદથી ૧૦૩ રન ફટકાર્યા હતા. ઇનિંગ્સની બારમી ઓવરમાં ઈશાન કિશને સ્પિનર ઈશ સોઢી સામે ૪, ૪, ૪, ૬, ૪, ૬ ફટકારી દીધા હતા. શરૂઆતના વાઇડ બૉલને કારણે આ ઓવરમાં ભારતને ૨૯ રન મળ્યા હતા.

૩૦ રન કરનાર ઓપનર અભિષેક શર્મા સિવાય સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ડબલ ડિજિટમાં સ્કોર કર્યો હતો. કૅપ્ટન સૂર્યાએ ૩૦ બૉલમાં ૪ ફોર અને ૬ સિક્સની મદદથી ૬૩ રન કર્યા હતા. હાર્દિક પંડ્યા ૧૭ બૉલમાં ૧ ફોર અને ૪ સિક્સની મદદથી ૪૨ રનની તાબડતોબ ઇનિંગ્સ રમ્યો હતો. નવેમ્બર ૨૦૨૪ બાદ વાપસી કરનાર ન્યુ ઝીલૅન્ડના પેસ બોલર લૉકી ફર્ગ્યુસને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી.

કિવી ઓપનર ફિન ઍલને ૨૧૦.૫૩ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે ૩૮ બૉલમાં ૮ ફોર અને ૬ સિક્સની મદદથી ૮૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તે ભારત સામે પાવરપ્લેમાં હાઇએસ્ટ ૫૭ રન ફટકારનાર બૅટર પણ બન્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સને કારણે ન્યુ ઝીલૅન્ડે ભારત સામેનો પાવરપ્લેનો હાઇએસ્ટ ૭૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડ ભારતમાં ટીમ ઇ​​ન્ડિયા સામે ફાસ્ટેસ્ટ ૮ ઓવરમાં ૧૦૦ રન ફટનાર ટીમ પણ બની હતી. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૫૧ રન આપીને T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી વખત પાંચ વિકેટે લીધી હતી. સ્પિનર્સ અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને ૨-૨ વિકેટ જ્યારે રિન્કુ સિંહને એક વિકેટ મળી હતી.

વિશાળ ટાર્ગેટ ચેઝ કરવા દરમ્યાન ભારત માટે સંજુ સૅમસનને બદલે ઈશાન કિશનને વિકેટકીપિંગ કરવાની તક આપવામાં આવી હતી. લોકલ બૉય સંજુ ૬ રન ફટકાર્યા બાદ બીજી ઇનિંગ્સમાં બાઉન્ડરી પર ફીલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. મૅચ દરમ્યાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ૧૪મી ઓવરમાં પોતાની આ ફૉર્મેટની એક ઓવરમાં હાઇએસ્ટ બાવીસ રન આપી દીધા હતા. તે ૪ ઓવરમાં ૫૩ રન આપીને વિકેટલેસ રહ્યો હતો.

23 - આટલી સિક્સ એક T20 ઇનિંગ્સમાં ફટકારીને ફુલ મેમ્બર નેશન તરીકે સાઉથ આફ્રિકાના રેકૉર્ડની બરાબરી કરી ભારતે.

69 - આટલી હાઇએસ્ટ સિક્સ એક T20 દ્વિપક્ષીય સિરીઝમાં ફટકારનાર ટીમ બની ભારત. 

ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની બહાર લોકલ બૉય સંજુ સૅમસન સાથે મહેન્દ્ર સિંહ ધોનીનું વિશાળ કટઆઉટ લગાડ્યું ક્રિકેટ-ફૅન્સે

ગઈ કાલે ભારતનો વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન પહેલી વખત પોતાના હોમગ્રાઉન્ડ ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં ઇન્ટરનૅશનલ મૅચ રમવા ઊતર્યો હતો. મૅચ માટે ગ્રીનફીલ્ડ સ્ટેડિયમની બહાર સંજુ સૅમસન ફૅન્સ અસોસિએશન (SSFA)એ ૪૦ ફુટનું વિશાળ કટઆઉટ લગાડ્યું હતું. કેટલાક ક્રિકેટ-ફૅન્સે મહેન્દ્ર સિંહ ધોનીનું ૭૦ ફુટનું કટઆઉટ પણ ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં લગાડ્યું હતું. જોકે ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચમી T20 મૅચમાં સંજુ સૅમસન ૬ બૉલમાં એક ફોરની મદદથી ૬ રન કરીને કૅચઆઉટ થઈ ગયો હતો. સિરીઝની પહેલી ૪ મૅચમાં ૧૦, ૬, ઝીરો અને ૨૪ રનની ઇનિંગ્સ રમ્યો હોવાથી સંજુ સૅમસનનું ફૉર્મ વર્લ્ડ કપ પહેલાં ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે.

new zealand india indian cricket team team india t20 t20 international wt20 world t20 thiruvananthapuram cricket news sports sports news abhishek sharma sanju samson ishan kishan suryakumar yadav rinku singh hardik pandya shivam dube axar patel arshdeep singh varun chakaravarthy jasprit bumrah