26 January, 2026 07:57 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા વચ્ચે ૧૦૨ રનની પાર્ટનરશિપ થઈ હતી
ગઈ કાલે ગુવાહાટીમાં રમાયેલી સિરીઝની ત્રીજી T20 મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડને ૮ વિકેટે જડબેસલાક પરાજય ચખાડ્યો હતો. કિવીઓએ આપેલા ૧૫૪ રનના ટાર્ગેટને ટીમ ઇન્ડિયાએ માત્ર ૧૦ ઓવરમાં આંબી લીધો હતો.
અભિષેક શર્મા અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી બૅટિંગને પગલે ભારતે ગઈ કાલે પાંચ મૅચની સિરીઝ ૩-૦થી જીતી લીધી છે. ભારત T20માં લગાતાર નવમી સિરીઝ જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડ સામે ભારતનો આ સતત પાંચમો T20 સિરીઝ-વિજય છે.
ગઈ કાલે સૂર્યકુમાર યાદવે ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડને પહેલાં બૅટિંગમાં ઉતાર્યું હતું. કિવીઓએ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૩ રન કર્યા હતા. ભારત વતી જસપ્રીત બુમરાહે સૌથી ટાઇટ બૉલિંગ કરીને ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી અને હર્ષિત રાણાએ એક વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડ વતી હાઇએસ્ટ સ્કોર ગ્લેન ફિલિપ્સે ૪૮ રનનો નોંધાવ્યો હતો.
ગઈ કાલે ગુવાહાટીમાં જસપ્રીત બુમરાહે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી અને હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ લીધી હતી
ભારતે બૅટિંગમાં પહેલા જ બૉલમાં સંજુ સૅમસનની વિકેટ ગુમાવી હતી. સંજુ સતત ત્રીજી મૅચમાં નિષ્ફળ ગયો છે. જોકે તેના ઓપનિંગ જોડીદાર અભિષેક શર્માએ બીજી મૅચના ફ્લૉપ શોને ભૂલીને ધમાલ મચાવી હતી અને માત્ર ૧૪ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. વનડાઉન બૅટર ઈશાન કિશન ૨૮ રનની નાનકડી ઇનિંગ્સ રમીને આઉટ થયો એ પછી અભિષેક સાથે કૅપ્ટન સૂર્યકુમાર યાદવ જોડાયો હતો અને તેણે પોતાનું ફૉર્મ કન્ટિન્યુ રાખીને તડાફડી બોલાવી હતી.
અભિષેક અને સૂર્યાના ઝંઝાવાતે માત્ર ૧૦ ઓવરમાં મૅચ પૂરી કરી દીધી હતી. અભિષેકે ૨૦ બૉલમાં ૭ ફોર અને પાંચ સિક્સ સાથે અણનમ ૬૮ તથા સૂર્યાએ ૨૬ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સ સાથે અણનમ ૫૭ રન કર્યા હતા.
અભિષેક શર્માએ ગઈ કાલે ૧૪ બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી એ ભારતીય બૅટર દ્વારા સેકન્ડ ફાસ્ટેસ્ટ હતી. T20માં ભારતીય બૅટર દ્વારા ફાસ્ટેસ્ટ ફિફ્ટી અભિષેકના ગુરુ યુવરાજ સિંહે ૧૨ બૉલમાં ફટકારી છે. યુવરાજે ૨૦૦૭માં T20 વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. એ જ ઇનિંગ્સમાં યુવીએ સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી. અભિષેકે આ પહેલાં T20માં ૧૭ બૉલમાં ફિફ્ટી ફટકારી છે.