આજે કોણ જિતાડશે? અશ્વિન કે અક્ષર?

06 December, 2021 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય ભારતના હાથવેંતમાં : પાંચ વિકેટની જ જરૂર : ત્રીજો સ્પિનર જયંત યાદવ કે બે પેસ બોલરો પણ વિજયને આસાન બનાવી શકે

વાનખેડેમાં પ્રેક્ષકોએ શનિવારના આંચકાઓ બાદ ગઈ કાલે મૅચ પૂર્ણપણે ભારતની તરફેણમાં આવતાં આખો દિવસ માણ્યો હતો

વાનખેડે સ્ટેડિયમમાં સિરીઝની બીજી અને નિર્ણાયક ટેસ્ટમાં ઇનિંગ્સની તમામ ૧૦ વિકેટવાળા વિશ્વવિક્રમની બરાબરી કરતા ન્યુ ઝીલૅન્ડના અજાઝ પટેલના શનિવારના ઐતિહાસિક પર્ફોર્મન્સ બાદ ભારતીયોએ ગઈ કાલે બાજી સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લીધી હતી અને હવે તો વિજયનો પ્યાલો ભારતીયોના હોઠ સુધી આવી ગયો છે. કાનપુરની પ્રથમ ટેસ્ટમાં રહાણે ઍન્ડ કંપની જીતની લગોલગ આવી ગયા પછી વિજયથી વંચિત રહી ગઈ હતી, પરંતુ આજે ચોથા દિવસે ભારતનો જયજયકાર નક્કી છે, કારણ કે કિવીઓ ૫૪૦ રનના અશક્ય લક્ષ્યાંક સામે ગઈ કાલે જ ઝૂકી ગયા હતા અને ૧૪૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી બેઠા હતા.
કિવીઓને હજી ૪૦૦ રનની જરૂર છે, પરંતુ ભારતને ૧-૦થી સિરીઝ જીતી લેવા ફક્ત પાંચ વિકેટ જોઈએ છે અને વિજય અપાવવાનું કામ આજે રાઇટ-આર્મ ઑફબ્રેક સ્પિનર રવિચન્દ્રન અશ્વિન (૧૭-૭-૨૭-૩) અથવા લેફ્ટ-આર્મ સ્પિનર અક્ષર પટેલ (૧૦-૨-૪૨-૧) પૂરું કરી આપશે એવી ધારણા છે. જોકે ત્રીજો સ્પિનર જયંત યાદવ (૮-૨-૩૦-૦) કે પેસ બોલરો મોહમ્મદ સિરાજ (૫-૨-૧૩-૦) અને ઉમેશ યાદવ (૫-૧-૧૯-૦) પણ યોગદાન આપી શકે છે. પહેલા દાવમાં અશ્વિને ચાર, સિરાજે ત્રણ, અક્ષરે બે અને જયંતે એક વિકેટ લીધી હતી.
ગઈ કાલે ડેરિલ મિચલ (૯૨ બૉલમાં ૬૦ રન) અને હેનરી નિકોલ્સ (૩૬ નૉટઆઉટ)ની જોડીએ ચોથી વિકેટ માટેની ૭૩ રનની ભાગીદારી કરીને ભારતીયોને થોડો સંઘર્ષ કરાવ્યો હતો, પરંતુ આજે બોલરો લંચ પહેલાં જ સપાટો બોલાવી દેશે એમાં કોઈ બેમત લાગતો નથી.
ગઈ કાલે ભારતે બીજો દાવ ૨૭૬/૭ના સ્કોરે ડિક્લેર કરીને મહેમાન ટીમને જીતવા ૫૪૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથા દાવમાં ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરવામાં આવ્યો હોય એવી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝનો ૨૦૦૩ની સાલનો ઑસ્ટ્રેલિયા સામેનો સ્કોર (૪૧૮/૭) હાઇએસ્ટ છે અને એ વિક્રમ તોડવાના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ગઈ કાલની ભારતની ઇનિંગ્સની ફરી વાત કરીએ તો મયંક (૬૨), પુજારા (૪૭), ગિલ (૪૭), કોહલી (૩૬), શ્રેયસ (૧૪), સહા (૧૩)નાં યોગદાન કરતાં અક્ષર પટેલ (૪૧ અણનમ, ૨૬ બૉલ, ૪ સિક્સર, ૩ ફોર)ની ઇનિંગ્સ સૌથી ઉત્તમ હતી. તેણે નિર્ભય બનીને અજાઝ પટેલ સહિતના બોલરોની બોલિંગમાં ફટકાબાજીથી ભારત બીજા દાવમાં ૨૫૦ રન પાર કરી શક્યું હતું અને કિવીઓને ૫૪૦નો તોતિંગ લક્ષ્યાંક આપી શકાયો હતો.

ન્યુ ઝીલૅન્ડનો કાર્યવાહક સુકાની અને ઓપનર ટૉમ લૅથમ બૅટિંગ દરમ્યાન એક ક્ષણે અપીલ બાદ પડી ગયો હતો થોડી વારમાં આઉટ થઈ ગયો હતો.  (તસવીર : એ.એફ.પી.)

ઓપનરો ગિલ, મયંકને ઈજા
ભારતના ઓપનરો મયંક અગરવાલ અને શુભમન ગિલને મૅચમાં ઈજા થવાને કારણે તેમણે ન્યુ ઝીલૅન્ડના બીજા દાવમાં ફીલ્ડિંગ નહોતી કરી. મયંકને શનિવારે બૅટિંગ દરમ્યાન જમણા હાથ પર બૉલ વાગ્યો હતો અને ગિલને ગઈ કાલે ફીલ્ડિંગ દરમ્યાન જમણા હાથની વચલી આંગળીમાં કાપો પડી ગયો હતો. તેમને બદલે સૂર્યકુમાર યાદવ અને શ્રીકાર ભરતે ફીલ્ડિંગ કરી હતી.
પટેલના બૉલમાં પટેલની સિક્સર
ભારતની ૬૬મી ઓવર કિવી સ્પિનર અજાઝ પટેલે કરી હતી. એના ચોથા બૉલમાં બૅટર અક્ષર પટેલે છગ્ગો ફટકારતાં સરસાઈ સાથે ભારતનો સ્કોર ૫૦૦ રનને પાર થયો હતા. અક્ષરની ગઈ કાલની ચારમાંની એ પહેલી સિક્સર હતી. ત્યાર પછી અક્ષરે રાચિન રવીન્દ્રની બોલિંગમાં બીજી ત્રણ સિક્સર ફટકારી હતી.
તમામ ૩૨ વિકેટો ‘ભારતીયો’એ લીધી
ગઈ કાલ સુધીમાં મૅચમાં કુલ ૩૨ વિકેટ પડી હતી. એક રીતે આ બધી વિકેટો ‘ભારતીય બોલરો’એ લીધી કહેવાય. ન્યુ ઝીલૅન્ડની પ્રથમ દાવમાં ૧૦ અને ગઈ કાલે પાંચ વિકેટ પડી હતી જેમાંથી ચાર વિકેટ ભારતીય બોલરોએ લીધી અને એક કિવી રનઆઉટ થયો હતો. પ્રથમ દાવમાં ભારતની તમામ ૧૦ વિકેટ વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરનાર અજાઝ પટેલે લીધી ત્યાર પછી ગઈ કાલે બીજા દાવના ડિક્લેરેશન પહેલાં ભારતની જે ૭ વિકેટ પડી હતી એમાંથી ૪ વિકેટ અજાઝ પટેલે અને ૩ વિકેટ રાચિન રવીન્દ્રઅે લીધી હતી. અજાઝ અને રવીન્દ્ર મૂળ ભારતીય હોવાથી તમામ વિકેટો ભારતીય બોલરોએ લીધી એમ કહી શકાય.
બે ‘વિકેટકીપર’ના હાથે વિકેટકીપર થયો રનઆઉટ
ગઈ કાલે ઈજાગ્રસ્ત શુભમન ગિલના સ્થાને સ્ટૅન્ડ-બાય વિકેટકીપર શ્રીકાર ભરતે સબસ્ટિટ્યુટ તરીકે ફીલ્ડિંગ કરી હતી. કિવી વિકેટકીપર ટૉમ બ્લન્ડેલ ઝીરો પર હતો ત્યારે તેણે ખોટો રન લેવાની ઉતાવળ કરી ત્યાં તો પૉઇન્ટ પરથી ભરતે સ્ટ્રાઇકર્સ-એન્ડ પર બૉલ ફેંક્યો અને રેગ્યુલર વિકેટકીપર વૃદ્ધિમાન સહાએ તરત જ બ્લન્ડેલને રનઆઉટ કર્યો હતો.

sports sports news cricket news india new zealand test cricket