સિરીઝ જૂની, પણ કૅપ્ટન-કોચ નવા : આજથી ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે ટક્કર

01 July, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેન સ્ટોક્સ-બુમરાહ પહેલી વાર કૅપ્ટન તરીકે સામસામે : બ્રેન્ડન મૅક્લમ અને દ્રવિડના કોચિંગની કસોટી : એજબૅસ્ટનમાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું : વરસાદની આગાહી

બુમરાહ હરીફ સુકાની બેન સ્ટોક્સ સામે ટેસ્ટમાં સફળ નથી થયો, પણ વન-ડેમાં તેને બે વાર આઉટ કરી ચૂક્યો છે.

મૅચનો સમય : બપોરે ૩.૦૦ વાગ્યાથી

વિરાટ કોહલી ૧૬ વર્ષની અદ્ભુત કરીઅર દરમ્યાન ઘણી વાર ઇંગ્લૅન્ડના પ્રવાસે જઈ આવ્યો છે, પણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે કૅપ્ટન તરીકે છેલ્લી વાર પ્રવાસ કર્યો હતો અને હવે તે માત્ર ખેલાડી તરીકે ત્યાં ગયો છે. આજે બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ-શ્રેણીની બાકી રહેલી પાંચમી ટેસ્ટ શરૂ થશે અને એમાં ખાસ કરીને કોહલીના પર્ફોર્મન્સ પર બધાની નજર રહેશે, કારણ કે ગયા વર્ષની ટૂરમાં રમાયેલી ચાર ટેસ્ટના ૭ દાવમાં તેણે માત્ર ૨૧૮ રન બનાવ્યા હતા, જેમાં માત્ર બે હાફ સેન્ચુરી હતી.

મૅચના બન્ને હરીફ કૅપ્ટનો નવા છે અને બન્નેના કોચ પણ પહેલી વાર સામસામે આવી રહ્યા છે. કોરોનાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહની નિયુક્તિ ભારતના કાર્યવાહક સુકાની તરીકે થઈ છે. બીજી બાજુ, બેન સ્ટોક્સને થોડાં અઠવાડિયાં પહેલાં જ સુકાન મળ્યું છે અને તેના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ ન્યુ ઝીલૅન્ડનો ૩-૦થી વાઇટવૉશ કરીને ભારત સામે રમવા આવી રહી છે. ગયા વર્ષે પાંચ ટેસ્ટવાળી શ્રેણીમાં ભારતની ૨-૧ની સરસાઈ સાથે સિરીઝ ભારતીય ટીમમાં કોરોનાના કેટલાક કિસ્સા બનતાં અટકાવવામાં આવી ત્યારે રવિ શાસ્ત્રી ભારતના કોચ હતા. જોકે ત્યાર પછી ૮ મહિનાથી રાહુલ દ્રવિડને કોચિંગની જવાબદારી સોંપાઈ છે અને ભારતને ૩-૧થી સિરીઝ-વિજય અપાવવાની પ્રચંડ જવાબદારી કૅપ્ટન બુમરાહ ઉપરાંત દ્રવિડ પર પણ છે. ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમ ઇંગ્લૅન્ડનો નવો કોચ છે. કિવીઓ સામેની ૩-૦ની જીત તેના કોચિંગમાં બ્રિટિશરોએ શરૂઆતમાં જ મેળવેલી જ્વલંત સફળતા છે.

એજબૅસ્ટનમાં ભારત ક્યારેય ટેસ્ટ નથી જીત્યું. આ સ્થળે ભારત ૬ ટેસ્ટ હાર્યું છે અને એક ટેસ્ટ ડ્રૉ ગઈ છે. એજબૅસ્ટનમાં આજે અને આવતી કાલે વરસાદની આગાહી છે.

બન્ને દેશની ટીમ (સંભવિત)

ભારત : જસપ્રીત બુમરાહ (કૅપ્ટન), રિષભ પંત (વાઇસ કૅપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા/મયંક અગરવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/આર. અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લૅન્ડ : બેન સ્ટોક્સ (કૅપ્ટન), ઍલેક્સ લીસ, ઝૅક ક્રૉવ્લી, ઑલી પોપ, જો રૂટ, જૉની બેરસ્ટૉ, સૅમ બિલિંગ્સ, મૅથ્યુ પૉટ્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, જૅક લીચ અને જેમ્સ ઍન્ડરસન.

1
બુમરાહ ભારતનો સૌપ્રથમ સ્પેશ્યલિસ્ટ ફાસ્ટ બોલર-કૅપ્ટન છે. તેના પહેલાં કપિલ દેવ ફાસ્ટ બોલર-સુકાની હતા, પરંતુ તેઓ ઑલરાઉન્ડર હતા.

6
બુમરાહે ટેસ્ટમાં સૌથી વધુ આટલા શિકાર જો કોઈ બૅટરના કર્યા છે તો એ છે ઇંગ્લૅન્ડનો ઇન-ફૉર્મ બૅટર જો રૂટ.

sports sports news cricket news india england test cricket