સેન્ચુરી પછી જેમ્સ ઍન્ડરસનને સાનમાં સમજાવી દીધું જાડેજાએ

04 July, 2022 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાડેજાએ કમેન્ટના જવાબમાં કહ્યું કે ‘હું મને જ્યારે જેવી તક મળે ત્યારે મોટી ભાગીદારી ડેવલપ કરવાનો પૂરો પ્રયત્ન કરું છું`

રવિન્દ્ર જાડેજા

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન અને ભારતીય ઑલરાઉન્ડર જાડેજા વચ્ચે મેદાન પર ઘણી વાર ચકમક થઈ ચૂકી છે અને શનિવારે જાડેજાએ સાતમા નંબરે બૅટિંગ કરીને મૅચ-સેવિંગ સેન્ચુરી (૧૦૪ રન, ૧૯૪ બૉલ, ૨૬૯ મિનિટ, ૧૩ ફોર) ફટકારી ત્યાર બાદ ઍન્ડરસનની પોતાના વિશેની કમેન્ટના મુદ્દે તેને પત્રકારો સાથેની વાતચીતમાં જડબાતોડ જવાબ આપ્યો હતો.

૨૦૧૪માં ટ્રેન્ટ બ્રિજની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ખેલાડીઓ લંચ માટે પાછા આવી રહ્યા હતા ત્યારે ઍન્ડરસન ગુસ્સામાં જાડેજા તરફ વળ્યો હતો અને તેને ‘એક દિવસ તારા દાંત તોડી નાખીશ’ એવી કમેન્ટ કરી હતી. ઍન્ડરસને જાડેજાને ધક્કો પણ માર્યો હતો અને એ વખતે ધોનીએ બ્રિટિશ ટીમ મૅનેજમેન્ટને અને મૅચ રેફરીને ફરિયાદ પણ કરી હતી.

ટેસ્ટ વખતે ઍન્ડરસને કહ્યું કે ‘અગાઉ જાડેજા આઠમા નંબરે બૅટિંગ કરતો અને પૂંછડિયાઓ સાથે તેણે રમવું પડતું એટલે તેને ફટકાબાજી કરવાનો મોકો નહોતો મળતો, પરંતુ હવે સાતમા નંબરે રમ્યો એટલે તે પ્રોપર બૅટરના રોલમાં જોવા મળી રહ્યો છે.’

જાડેજાએ કમેન્ટના જવાબમાં કહ્યું કે ‘હું મને જ્યારે જેવી તક મળે ત્યારે મોટી ભાગીદારી ડેવલપ કરવાનો પૂરો પ્રયત્ન કરું છું. સામા છેડે જે પણ બૅટર હોય, હું તેને સાથ આપવાનો પ્રયત્ન કરું છું. ઍન્ડરસનને ૨૦૧૪ની ઘટના પછી હવે મારી ક્ષમતા વિશે ભાન થયું એનો મને આનંદ છે.’
યોગાનુયોગ, શનિવારે જાડેજાને ઍન્ડરસને ક્લીન બોલ્ડ કર્યો હતો.

sports sports news cricket news india england test cricket