બેરસ્ટૉને મળેલું જીવતદાન ભારતને હવે ભારે પડી રહ્યું છે

05 July, 2022 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૭૮ના લક્ષ્યાંક બાદ લીસ, ક્રૉવ્લી ઉપરાંત રૂટની પણ ફટકાબાજી

રવીન્દ્ર જાડેજાએ ગઈ કાલે ઍલેક્સ લીસને રન આઉટ કરી દીધો હતો.

ઇંગ્લૅન્ડે એજબૅસ્ટનમાં ગઈ કાલે ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં ચોથા દિવસે ૩૭૮ રનના લક્ષ્યાંક સામે છેલ્લી ૧૦ ઓવર બાકી હતી ત્યાં સુધીમાં માત્ર ૩ વિકેટે ૨૧૧ રન બનાવી લીધા હતા અને જો રૂટ (૫૯) તથા જૉની બેરસ્ટૉ (૪૨) રમી રહ્યા હતા. ઑલી પોપ શૂન્યમાં બુમરાહનો શિકાર બન્યો હતો, પરંતુ એ પહેલાં ઓપનર ઝૅક ક્રૉવ્લીએ ભારતીય કૅપ્ટનના બૉલમાં ક્લીન બોલ્ડ થતાં પહેલાં ૪૬ રન બનાવ્યા હતા. બીજો ઓપનર ઍલેક્સ લીસ ૫૬ રન બનાવીને જાડેજા તથા શમીના હાથે રનઆઉટ થયો હતો.

બેરસ્ટૉને ૩૮મી ઓવરમાં સિરાજના બૉલમાં સેકન્ડ સ્લિપમાં હનુમા વિહારીના હાથે જીવતદાન મળ્યું હતું. એ પછી બેરસ્ટૉ ઇન્ટરનૅશનલ ૧૦,૦૦૦ રન પૂરા કરનારો ૧૧મો બ્રિટિશર બન્યો હતો.

એ પહેલાં ભારતનો બીજો દાવ ૨૪૫ રને પૂરો થયો હતો. ત્રીજા દિવસે ૫૦ રને નૉટઆઉટ રહેલો ઓપનર ચેતેશ્વર પુજારા (૬૬ રન, ૧૬૮ બૉલ, ૨૪૬ મિનિટ, આઠ ફોર) બીજા ૧૬ રન ઉમેરી શક્યો હતો. સાત ઓવર બાદ શ્રેયસ ઐયરે (૧૯) વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત (૫૭ રન, ૮૬ બૉલ, ૧૫૫ મિનિટ, આઠ ફોર) પણ આઉટ થઈ ગયો હતો. પ્રથમ દાવના સેન્ચુરિયન રવીન્દ્ર જાડેજા (૨૩ રન) અને પહેલા દાવના રેકૉર્ડ-બ્રેક બૅટર જસપ્રીત બુમરાહ (૭ રન) લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સનો કૅચ બુમરાહે પકડ્યો તો એનું સ્ટૉક્સે ગઈ કાલે તેની વહેલી વિકેટ લઈને સાટું વાળ્યું હતું. સ્ટૉક્સે કુલ ચાર તેમ જ મૅથ્યુ પૉટ્સ અને સ્ટુઅર્ટ બ્રૉડે બે-બે વિકેટ અને જૅક લીચ અને જેમ્સ ઍન્ડરસને એક-એક વિકેટ લીધી હતી.

ભારતે પહેલા દાવમાં ૧૩૨ રનની લીડ લીધા બાદ બીજા દાવમાં ૨૪૫ રન બનાવીને યજમાન ટીમને ૩૭૮ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

sports sports news cricket news test cricket india england