ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર, પણ ટૉપ-ઑર્ડરનો ગ્રાફ ફરી નીચો

04 July, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોહલી : કૉટ રૂટ વાયા બિલિંગ્સ : બેરસ્ટૉની સદી છતાં સિરાજની સુપર્બ બોલિંગ

ગઈ કાલે બેન સ્ટોક્સ આઉટ થયો ત્યારે કોહલી અને બોલર શાર્દુલે તેને મજાકિયું સૅન્ડ-ઑફ આપ્યું હતું. (તસવીર : એ.પી.)

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ સામે સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં ત્રીજા દિવસે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર ત્રણ વિકેટે ૯૧ રન હતો. ભારતનો ૧૩૨ રનની સરસાઈ સાથેનો કુલ સ્કોર ૨૦૦ રનથી ઉપર હોવાથી ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર કહી શકાય, પરંતુ ટૉપ-ઑર્ડર ફરી એક વાર નિષ્ફળ જતાં ટીમની ચિંતા વધી છે.

વિરાટ કોહલી (૨૦ રન, ૪૦ બૉલ, ચાર ફોર) વિચિત્ર રીતે આઉટ થયો હતો. બેન સ્ટોક્સના એક્સ્ટ્રા બાઉન્સમાં કોહલી ફૉર્વર્ડ આવીને ડિફેન્ડ કરવાના પ્રયાસમાં સ્ટમ્પ્સની પાછળ કૅચ આપી બેઠો હતો. વિકેટકીપર સૅમ બિલિંગ્સથી તો તેનો કૅચ છૂટી ગયો હતો, પરંતુ પહેલી સ્લિપમાં ઊભેલા જો રૂટે બૉલ કૅચ કરી લીધો હતો. ખુદ રૂટ અને સાથીઓ પણ એ કૅચથી નવાઈ પામ્યા હતા. કોહલી અને તેની વિકેટ વખતે ૩૩ રને નૉટઆઉટ રહેલા ચેતેશ્વર પુજારા વચ્ચે ત્રીજી વિકેટ માટે ૩૨ રનની મામૂલી ભાગીદારી થઈ હતી.

શુભમન ગિલ પ્રથમ દાવના ૧૭ રન બાદ ગઈ કાલે માત્ર ૪ રન બનાવતાં ફરી ફ્લૉપ ગયો હતો. વનડાઉનમાં હનુમા વિહારી (૧૧ રન)એ પણ ફરી નારાજ કર્યા હતા. મયંક અગરવાલને બદલે હનુમાને રમાડવાનો નિર્ણય બુમરૅન્ગ થયો છે.

બેરસ્ટૉની ૧૧મી સદી
એ પહેલાં, ભારતે ગઈ કાલે ઇંગ્લૅન્ડને પ્રથમ દાવમાં ૮૪/૫ના સ્કોરથી આગળ વધ્યા બાદ ૨૮૪ રનના ટોટલ પર ઑલઆઉટ કર્યું હતું અને ૧૩૨ રનની લીડ લીધી હતી. શનિવારે ૧૨ રને નૉટઆઉટ રહેલા જૉની બેરસ્ટૉએ ૧૧મી સદી (૧૦૬ રન, ૧૪૦ બૉલ, ૨૩૫ મિનિટ, ૨ સિક્સર, ૧૪ ફોર) ફટકારીને યજમાન ટીમને મોટી નામોશીથી બચાવી હતી. તેને પહેલાં કૅપ્ટન બેન સ્ટોક્સ (પચીસ રન, ૩૬ બૉલ, ૭૩ મિનિટ, ત્રણ ફોર)નો સાથ મળ્યો હતો. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી થઈ હતી. બેરસ્ટૉ અને વિકેટકીપર સૅમ બિલિંગ્સ (૩૬ રન, ૫૭ બૉલ, ૧૧૩ મિનિટ, ચાર ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે ૯૨ રન બન્યા હતા.

કૅપ્ટનનો કૅચ કૅપ્ટને ઝીલ્યો
બેન સ્ટોક્સ પચીસ રને હતો અને ઇંગ્લૅન્ડનો સ્કોર પાંચ વિકેટે ૧૪૯ રન હતો ત્યારે પહેલાં તો હરીફ કૅપ્ટન બુમરાહથી સ્ટોક્સનો કૅચ છૂટ્યો હતો, પરંતુ બીજા જ બૉલમાં બુમરાહે કોઈ ભૂલ નહોતી કરી અને કૅચ પકડીને શાર્દુલને તેની વિકેટ અપાવી હતી. ભારતીય બોલર્સમાં મોહમ્મદ સિરાજ (૧૧.૩-૨-૬૬-૪) સૌથી સફળ હતો. બુમરાહે ૬૮ રનમાં ત્રણ, મોહમ્મદ શમીએ ૭૮ રનમાં બે અને શાર્દુલે ૪૮ રનમાં એક વિકેટ લીધી હતી.

sports sports news cricket news india england test cricket