વેલ ડન, બુમરાહ : લારા

04 July, 2022 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક ઓવરમાં પોતાનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડવા બદલ કૅરિબિયન ગ્રેટ સહિત અનેકનાં અભિનંદન

જસપ્રીત બુમરાહ

વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ-લેજન્ડ બ્રાયન લારાએ ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ ૨૮ રન બનાવવાનો ૧૯ વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડનાર ભારતીય પેસ બોલર અને કાર્યવાહક કૅપ્ટન જસપ્રીત બુમરાહને અભિનંદન આપતાં ટ્વીટમાં લખ્યું હતું કે ‘વેલ ડન, બુમરાહ. દોસ્તો, આ યુવાન ખેલાડીએ ટેસ્ટની સિંગલ ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ તોડ્યો છે. તો ચાલો, તેને અભિનંદન આપવામાં મારી સાથે જોડાઈ જાઓ.’

લારાએ ૨૦૦૩માં સાઉથ આફ્રિકાના પીટરસનની એક ઓવરમાં ૨૮ રન બનાવ્યા હતા. બુમરાહે શનિવારે ઇંગ્લૅન્ડના ‘ધુલાઈ માટે ખ્યાતનામ’ બોલર સ્ટુઅર્ટ બ્રૉડની ઓવરમાં ૨૯ રન બનાવીને વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો, બ્રૉડની એ ઓવરમાં એક્સ્ટ્રા રન ગણતાં કુલ વિક્રમજનક ૩૫ રન બન્યા હતા. ૨૦૧૩માં ઑસ્ટ્રેલિયાના બેઇલીએ ઇંગ્લૅન્ડના ઍન્ડરસની ઓવરમાં ૨૮ રન બનાવ્યા હતા અને ૨૦૨૦માં સાઉથ આફ્રિકાના કેશવ મહારાજે ઇંગ્લૅન્ડના રૂટની ઓવરમાં ૨૮ રન બનાવ્યા હતા. આમ આ યાદીમાં ચારમાંથી ત્રણ વાર રેકૉર્ડબ્રેક રન ઇંગ્લિશ બોલરની ઓવરમાં બન્યા છે.

વાહ! યુવી પછી બુમરાહના રેકૉર્ડ વખતે પણ હું હતો કૉમેન્ટરી બૉક્સમાં : શાસ્ત્રી

ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને ૧૯૮૫માં એક રણજી મૅચમાં સ્પિનર તિલક રાજની ઓવરમાં સતત ૬ સિક્સર ફટકારનાર રવિ શાસ્ત્રી ભારતના હેડ-કોચના હોદ્દે રહ્યા પછી કૉમેન્ટરી બૉક્સમાં પાછા આવ્યા છે. તેમણે ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે જ્યારે સ્ટુઅર્ટ બ્રૉડના ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી ત્યારે કૉમેન્ટરી બૉક્સમાં હતા અને શનિવારે પણ કૉમેન્ટરના રોલમાં હતા. ખુદ શાસ્ત્રીએ શનિવારે કહ્યું કે ‘ખુદ મેં એક સમયે એક ઓવરમાં ૩૬ રન ફટકાર્યા હતા, પરંતુ મારું નસીબ તો જુઓ કે યુવરાજની ૬ સિક્સર વખતે હું કૉમેન્ટરી આપતો હતો અને હવે બુમરાહના વિશ્વવિક્રમ વખતે પણ હું કૉમેન્ટરી બૉક્સમાં છું. જોકે મારા કે યુવીના વિક્રમની ઘટના બાજુએ રાખએ તો આ ઘટના (બુમરાહની ફટકાબાજી) તો ગજબની કહેવાય. મેં આવી ક્યારેય કલ્પના નહોતી કરી. ૧૦મા નંબરે બૅટિંગ કરતા અને ભારતનું પહેલી જ વાર સુકાન સંભાળી રહેલા બુમરાહે રચ્યો વર્લ્ડ રેકૉર્ડ! ક્યારેક આપણને કંઈક નવું અને નવાઈ પમાડનારું જોવા મળતું હોય, પરંતુ બુમરાહની આ રેકૉર્ડબ્રેક ફટકાબાજી તો ગજબની કહેવાય.’

(મજાકમાં) ઓહ! રેકૉર્ડ-બુકમાં હું હવે બીજા નંબરે આવી ગયો એનાથી મને બહુ દુઃખ થયું છે. જોકે રેકૉર્ડ તો તૂટતા જ રહે છે. જોઈએ, હવે પછી કયો નવો વિક્રમ બને છે!
રૉબિન પીટરસન
(સાઉથ આફ્રિકન બોલર જેની ઓવરમાં લારાએ ૨૮ રન બનાવ્યા હતા)

sports sports news cricket news test cricket india england