આજે હૈદરાબાદમાં થશે ખરી પરીક્ષા

25 September, 2022 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં મેળવેલા આત્મવિશ્વાસના સહારે ઑસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક ટી૨૦ મૅચમાં ટીમ ઇન્ડિયાની ક્ષમતાની ચકાસણી થશે

ફાઇલ તસવીર

આઠ ઓવરની મૅચ બહુ ટૂંકી રમત છે, એમાંથી કોઈ વિશ્લેષણ ન થઈ શકે, કારણ કે આમાં માત્ર હરીફ ટીમ શક્ય એટલા વધુ રન બનાવવાના હેતુથી જ મેદાનમાં ઊતરે છે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશનના સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાંથી ભારત કેટલીક સકારાત્મક વાતો લઈ શકે છે. કૅપ્ટન રોહિત શર્માએ બહુ સારી બૅટિંગ કરી હતી અને પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. જે અગાઉની કેટલીક મૅચોમાં જોવા મળ્યો નહોતો. તેણે શરૂઆતથી જ ઑસ્ટ્રેલિયાના બોલર્સને ફટકારવાનું શરૂ કર્યું હતું. 

બુમરાહની વાપસી
મૅચ બાદ દિનેશ કાર્તિકે કહ્યું કે ‘વર્લ્ડ ક્લાસ બોલર સામે આવા શૉટ્સ રમવા સરળ નથી. એ સાબિત કરે છે કે રોહિતને કેમ આટલો સફળ ખેલાડી ગણવામાં આવે છે. ફાસ્ટ બોલિંગ સામે રમવાની તેની ક્ષમતા જ તેને બેજોડ બનાવે છે.’

રોહિત અને કાર્તિક ભલે તમામ શ્રેય લઈ ગયા હોય છતાં જસપ્રીત બુમરાહે ઈજામાંથી સાજા થયા બાદ પહેલી વિકેટ મેળવી હતી. ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારત સાઉથ આફ્રિકા સામે વધુ ત્રણ ટી૨૦ રમશે. બુમરાહની વાપસી ભારત માટે મોટી રાહત છે. તેના નેતૃત્વમાં ફાસ્ટ બોલરો શાનદાર ભૂમિકા ભજવશે. મોહમ્મદ શમી કોરોના-પૉઝિટિવ થતાં રમી શક્યો નથી. બીજી તરફ ભુવનેશ્વર કુમાર ટીમના ડેથ ઓવરના બોલર તરીકે પોતાનું સ્થાન જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. એવી પરિસ્થિતિમાં બુમરાહની વાપસી ભારત માટે રાહત સમાન છે. બુમરાહ ઇનિંગ્સની શરૂઆતમાં અને અંતમાં બન્ને જગ્યાએ ઉપયોગી સાબિત થાય છે. એનો ઉપયોગ ખતરનાક ભાગીદારી તોડવા માટે પણ કરવામાં આવે છે. આજે તે પોતાના ક્વોટાની ૪ ઓવર નાખશે અને સફળ થાય તો ટીમ રાહતનો શ્વાસ લેશે.

અક્ષરે ઉઠાવ્યો તકનો લાભ
જાડેજા ઈજાગ્રસ્ત થતાં ટીમમાં સામેલ થયેલા અક્ષર પટેલે ઑસ્ટ્રેલિયા સામેની પહેલી બે મૅચમાં સારું પ્રદર્શન કર્યું છે. ટી૨૦માં તેના આંકડા શાનદાર છે. નાગપુરમાં તેણે ગ્લેન મૅક્સવેલ અને ટિમ ડેવિડની વિકેટ લઈને ઑસ્ટ્રેલિયાને પીછેહઠ કરવાની ફરજ પાડી એને પરિણામે તેઓ ૧૦૦ રનના આંકડા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા. સિરીઝ હવે ૧-૧થી લેવલ થઈ ગઈ છે એને પરિણામે આજની મૅચ નિર્ણાયક બની ગઈ છે. ભારતીય ટીમ મૅનેજમેન્ટ સાથે ચાહકો આશા રાખશે કે રોહિત, બુમરાહ અને અક્ષર આ પ્રકારે પ્રદર્શન કરશે તો આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ કપમાં ભારત માટે પરિસ્થિતિ સરળ થઈ જશે. 

sports sports news cricket news india australia