ખ્વાજા-હૅન્ડ્સકૉમ્બની લડત છતાં શમી, અશ્વિન, જાડેજાએ ઑસ્ટ્રેલિયાને ૨૬૩ રન સુધી સીમિત રાખ્યું

18 February, 2023 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાર ટેસ્ટની સિરીઝમાં ગઈ કાલે દિલ્હીમાં બીજી ટેસ્ટના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ પસંદ કરી હતી

વેલકમ ટુ ૧૦૦ ટેસ્ટ ક્લબ : ચેતેશ્વર પુજારાએ ગઈ કાલે ૧૦૦મી ટેસ્ટ રમવા બદલ સન્માન તરીકે સુનીલ ગાવસકરના હસ્તે સ્પેશ્યલ કૅપ મેળવ્યા બાદ આ ઐતિહાસિક પળ દરમ્યાન પિતા અરવિંદ પુજારા અને પત્ની પૂજા તથા પુત્રી અદિતિ સાથે ફોટો પડાવ્યો હતો. (તસવીર : પી.ટી.આઇ અને એ.એફ.પી.)

ચાર ટેસ્ટની સિરીઝમાં ગઈ કાલે દિલ્હીમાં બીજી ટેસ્ટના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ આઉટ ઑફ ફૉર્મ ડેવિડ વૉર્નર (૧૫ રન)ની વિકેટ બાદ ઑસ્ટ્રેલિયાએ ૨૩મી ઓવરમાં આર. અશ્વિને આપેલા બે ઝટકા (લબુશેન અને સ્ટીવ સ્મિથ) બાદ સમયાંતરે વિકેટ ગુમાવી હતી, પરંતુ ઓપનર ઉસ્માન ખ્વાજા (૮૧ રન, ૧૨૫ બૉલ, એક સિક્સર, બાર ફોર) તથા પીટર હૅન્ડ્સકમ્બ (૭૨ અણનમ, ૧૪૨ બૉલ, નવ ફોર)ની હાફ સેન્ચુરીએ ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવી હતી.

જોકે રવીન્દ્ર જાડેજાના બૉલમાં કે. એલ. રાહુલે ખ્વાજાનો વન-હૅન્ડેડ કૅચ પકડીને હૅન્ડ્સકૉમ્બ સાથેની તેની ૫૯ રનની ભાગીદારી તોડીને ટીમ ઇન્ડિયાને ફરી મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.

એકંદરે ગઈ કાલનો દિવસ ભારતીય બોલર મોહમ્મદ શમી (૧૪.૪-૪-૬૦-૪), આર. અશ્વિન (૨૧-૪-૫૭-૩) અને રવીન્દ્ર જાડેજા (૨૧-૨-૬૮-૩)નો હતો. સિરાજ અને અક્ષર પટેલને વિકેટ નહોતી મળી.

આ ત્રણ બોલરના તરખાટને કારણે ઑસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ ૨૬૩ રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ત્યાર બાદ ભારતનો સ્કોર વિના વિકેટે ૨૧ રન હતો. રોહિત ૧૩ અને રાહુલ ૪ રને રમી રહ્યો હતો.

હવે આજે ઑસ્ટ્રેલિયાના પેસ બોલર પૅટ કમિન્સ તેમ જ સ્પિનરો નૅથન લાયન, મૅથ્યુ કુહનેમન તેમ જ ટૉડ મર્ફી અને ટ્રેવિસ હેડ સામે ભારતીય બૅટર્સની કસોટી થશે.

ગાવસકરે બહુમાનમાં શું કહ્યું?

ચેતેશ્વર, તું ૧૦૦મી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બને એવી મારી પ્રાર્થના અને તને શુભેચ્છા છે. તું બૅટિંગ કરવા ઊતરે ત્યારે એવું લાગતું હોય છે કે તું તારી સાથે માત્ર બૅટ નહીં, પણ તિરંગો પણ પોતાની સાથે લઈ જઈ રહ્યો છે. તેં ઘણા ઘા ઝીલી, ફરી બેઠા થઈને બોલર્સ માટે તારી વિકેટને ખૂબ કીમતી બનાવી છે. તેં ફટકારેલો પ્રત્યેક સિંગલ રન ભારત માટે ખૂબ-ખૂબ મહત્ત્વનો બન્યો છે. તનતોડ મહેનત, આત્મવિશ્વાસ અને સપનું સેવીને શું-શું કરી શકાય એ તેં યુવા વર્ગને શીખવ્યું છે. ૧૦૦ ટેસ્ટની ક્લબમાં તારું સ્વાગત છે.

પુજારાએ જવાબમાં શું કહ્યું?

સનીભાઈ, તમારા જેવા લેજન્ડ્સ જ મારા માટે હંમેશાં પ્રેરક રહ્યા છે. હું ૧૦૦ ટેસ્ટ રમીશ એવી મેં ક્યારેય કલ્પના નહોતી કરી. જો મુશ્કેલ સમય સામે લડો તો મુસીબતના સમયકાળમાંથી બહાર આવીને શિખર પર જરૂર પહોંચી શકાય. હું આ સિદ્ધિ માટે મારી ફૅમિલી, ફ્રેન્ડ્સ, બીસીસીઆઇ, ટીમના સાથીઓ, સપોર્ટ સ્ટાફ તેમ જ મીડિયાનો આભારી છું.

sports sports news cricket news india australia indian cricket team test cricket