26 August, 2026 03:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ માટે તૈયારીઓ શરૂ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આગામી ૧૩થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ત્રણ T20 મૅચની સિરીઝ રમાશે. આ સિરીઝ માટે ભારતીય T20 ટીમોના સંભવિત ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બૅન્ગલોર સ્થિતિ સેન્ટર ઑફ એક્સલન્સથી ઓપનર અભિષેક શર્માએ સાથી ખેલાડીઓ સાથેના ફોટો શૅર કર્યા હતા. સંજુ સૅમસન, શિવમ દુબે, રવિ બિશ્નોઈ અને શ્રેયાંશ શેડગેએ પણ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી છે. અફઘાનિસ્તાન સિરીઝ માટે હજી સુધી ભારતીય T20 સ્ક્વૉડની જાહેરાત થઈ નથી.
સ્વિટ્ઝરલૅન્ડનો રૉજર ફેડરર પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લીધાનાં ચાર વર્ષ પછી ફરી યુએસ ઓપનમાં રમતો દેખાશે. ૪૫ વર્ષનો ફેડરર કોઈ સ્પર્ધાત્મક મૅચ રમવાનો નથી. તે ફેન વીક દરમ્યાન બે એક્ઝિબિશન મૅચ રમશે.
૨૦ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ફેડરર આજે ઍન્ડી રૉડિક સાથે સિંગલ્સ મૅચ રમશે. ત્યાર પછી જૉન મૅકૅનરો સાથે જોડી બનાવીને ઍન્ડી રૉડિક અને આન્દ્રે અગાસી સામે ડબલ્સ મૅચ રમશે. ફેડરરે ૨૦૦૪ અને ૨૦૦૮ વચ્ચે સતત પાંચ વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું.
શ્રીલંકાના કોલંબોમાં હાલમાં JITO પ્રીમિયર લીગ શરૂ થઈ છે. બ્રૅન્ડ-ઍમ્બઍસૅડર તરીકે ભારતનો વર્લ્ડ કપ વિજેતા T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ લીગની ઓપનિંગ સેરેમની અને પહેલી મૅચ દરમ્યાન મેદાન પર હાજર રહ્યો હતો. શ્રીલંકાનો ભૂતપૂર્વ ક્રિકેટર અને કોચ સનથ જયસૂર્યા અને મિસ વર્લ્ડ 2017 ઍક્ટ્રેસ માનુષી છિલ્લર આ દરમ્યાન મહેમાન તરીકે હાજર રહ્યાં હતાં.