આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે એકમાત્ર ટેસ્ટ : વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ટકી રહેવા ભારતે જીતવું જ પડશે

30 June, 2022 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વવિજેતા ન્યુ ઝીલૅન્ડને ફાઇનલનો કોઈ ચાન્સ નથી : પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકાબલા માટે મજબૂત દાવેદાર

આવતી કાલથી ઇંગ્લૅન્ડ સામે એકમાત્ર ટેસ્ટ

સૌપ્રથમ ટેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં ગયા વર્ષે ભારતને ફાઇનલમાં હરાવીને ન્યુ ઝીલૅન્ડે આ સ્પર્ધાના વિજેતાને ઇનામના રૂપમાં મળતી ગદા મેળવી હતી; પરંતુ આ કિવીઓને ફાઇનલમાં પહોંચવાની કોઈ તક નથી, કારણ કે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડ સામે ૦-૩થી હારી જનાર ન્યુ ઝીલૅન્ડ ડબ્લ્યુટીસી ટેબલમાં માત્ર ૨૫.૯૩ પૉઇન્ટ પર્સન્ટેજ સાથે છેક આઠમા નંબર પર છે. જોકે ભારતીય ટીમ જો આવતી કાલે બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડમાં શરૂ થનારી ગયા વર્ષની બાકી રહેલી સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ જીતશે તો ટેબલમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે અને ડબ્લ્યુટીસીની ફાઇનલ-ટેસ્ટ માટેનો ભારતનો દાવો સ્ટ્રૉન્ગ થશે.

ટેબલની ટોચની બે ટીમ ફાઇનલમાં જવાની છે.

હાલમાં ભારત ૫૮.૩૩ પૉઇન્ટ પર્સન્ટેજ સાથે ત્રીજા નંબર પર છે. પહેલા નંબરે ઑસ્ટ્રેલિયા (૭૫.૦૦ પૉઇન્ટ પર્સન્ટેજ) અને બીજા સ્થાને સાઉથ આફ્રિકા (૭૧.૪૩ પૉઇન્ટ પર્સન્ટેજ) છે અને તેમને ફાઇનલમાં જવાનો ભારત કરતાં વધુ સારો મોકો છે. ચોથા નંબરના શ્રીલંકા (૫૫.૫૬) અને પાંચમા ક્રમના પાકિસ્તાન (૫૨.૩૮)માંથી પાકિસ્તાનને સૌથી સારો મોકો છે, કારણ કે એની આગામી સાતમાંથી પાંચ ટેસ્ટ ઘરઆંગણે રમાવાની છે.

ભારતને કેવી રીતે ફાઇનલની તક?

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ના બે ફાઇનલિસ્ટ દેશ નક્કી થાય એ પહેલાં ભારતની સાત ટેસ્ટ બાકી છે. એમાં આવતી કાલે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની એક ટેસ્ટ, ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ચાર ટેસ્ટ અને બંગલાદેશમાં રમાનારી બે ટેસ્ટનો સમાવેશ છે. ૫૮.૩૩ પૉઇન્ટ પર્સન્ટેજ ધરાવતું ભારત વધુમાં વધુ ૭૪.૫૩ પૉઇન્ટ પર્સન્ટેજ સુધી જઈ શકશે જે ઑસ્ટ્રેલિયા (જો ભારત સામે હારે તો)ની નીચે જનારી પૉઇન્ટની સ્થિતિ સામે ટક્કર લેવા માટે પૂરતા કહેવાશે. જો ભારત સાતમાંથી એક ટેસ્ટ હારશે તો એના પૉઇન્ટ પર્સન્ટેજ ૬૮.૯૮ રહેશે અને બે ટેસ્ટ હારશે તો ૬૩.૪૨ રહેશે. એ જોતાં ભારતે ઇંગ્લૅન્ડ સામે ૧-૫ જુલાઈ સુધી ચાલનારી ટેસ્ટ જીતવી જ જોઈશે. ઑસ્ટ્રેલિયાએ હજી કુલ ૧૧ ટેસ્ટ અને સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા તથા વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ રમવાની બાકી છે. એ જોતાં સાઉથ આફ્રિકા માટે ટેબલમાં બીજો નંબર ટકાવવો મુશ્કેલ છે.

sports sports news cricket news india england test cricket