13 November, 2026 09:23 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent
ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર સાથે શ્રેયસ ઐયર
માઉન્ટ મૌંગાનુઈમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારત પોતાની પાંચ વન-ડે મૅચની સિરીઝની અંતિમ બે મૅચ રમશે. પહેલી બન્ને મૅચ જીતીને ભારતીય ટીમે સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી હતી. ત્રીજી વન-ડે મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી. વધુ એક મૅચ જીતીને ભારતીય ટીમ સિરીઝ જીતી જશે. જોકે યજમાન ટીમ બૅક-ટુ-બૅક મૅચ જીતીને સિરીઝને ડ્રૉ કરવાનો ટાર્ગેટ રાખશે.
માઉન્ટ મૌંગાનુઈમાં ઑક્ટોબર ૨૦૨૫ પછી પહેલી વખત વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. અહીં ન્યુ ઝીલૅન્ડ ૧૨ વન-ડે મૅચમાંથી ૭ મૅચ જીત્યું છે અને પાંચ મૅચ હાર્યું છે. યજમાન ટીમ અહીં છેલ્લી ૪ વન-ડે મૅચથી અજેય છે.
ભારતીય ટીમ આ મેદાન પર ૨૦૧૯થી ૨૦૨૦ની વચ્ચે ત્રણ વન-ડે રમી હતી. શરૂઆતની બન્ને વન-ડે મૅચમાં ભારત જીત્યું હતું અને અંતિમ વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડે બાજી મારી હતી.
ટેસ્ટ-સિરીઝની તૈયારીમાં વ્યસ્ત શુભમન ગિલની ગેરહાજરીમાં વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયર કૅપ્ટન્સીની જવાબદારી સંભાળશે. શ્રેયસ ઐયરના વન-ડે કૅપ્ટન્સી ડેબ્યુની સાથે ભારતને ૨૯મો વન-ડે કૅપ્ટન મળશે. અગાઉ મુંબઈના ૭ પ્લેયર્સ ભારત માટે વન-ડે કૅપ્ટન્સી કરી ચૂક્યા છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પાંચ બૉલમાં પાંચ વિકેટ લેનાર બ્રેટ રૅન્ડેલને કિવી ટીમમાં પહેલી વખત સ્થાન મળ્યું
ભારત સામેની અંતિમ બે વન-ડે મૅચ માટે ન્યુ ઝીલૅન્ડે પોતાની સ્ક્વૉડમાં બે પ્લેયર્સને ઉમેર્યા છે. છેલ્લે એપ્રિલમાં રમનાર કિવી ઑલરાઉન્ડર જૉશ ક્લાર્કસને પાંચમી વન-ડેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ચોથી અને પાંચમી વન-ડે મૅચની સ્ક્વૉડમાં અનકૅપ્ડ ફાસ્ટ બોલર બ્રેટ રૅન્ડેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૩૧ વર્ષનો બ્રેટ રૅન્ડેલ લિસ્ટ A ક્રિકેટની પંચાવન મૅચોમાં ૧૦૦ વિકેટ લઈ ચૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેણે પાંચ બૉલમાં પાંચ વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બ્રેટ રૅન્ડેલ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.