14 August, 2025 07:03 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુરેશ રૈના (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણકે એક્સ ક્રિકેટરને સટ્ટાબાજી એપ કેસ (Illegal online betting)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate)એ સમન્સ પાઠવ્યા (Suresh Raina summoned by ED) છે. આજે નવી દિલ્હી સ્થોત ઇડી (ED)ની ઓફિસમાં સુરેશ રૈના હાજર રહેશે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને બુધવારે એક ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનના સંદર્ભમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, સુરેશ રૈના કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આજે (૧૩ ઓગસ્ટ) ED સમક્ષ હાજર થઈ શકે છે. ફેડરલ તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (Prevention of Money Laundering Act - PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેશ રૈનાને 1xBet નામની એપ સાથે સંબંધિત ગેરકાયદેસર સટ્ટાબાજી કેસમાં પૂછપરછ માટે બુધવારે ૧૩ ઓગસ્ટના રોજ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. ED અધિકારીઓ દ્વારા પૂછપરછ દરમિયાન, આ એપ સાથેના તેમના સંબંધો સમજવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે, તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સ સાથે સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે, જેના પર ઘણા લોકો અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે.
આજે નવી દિલ્હીમાં આવેલી ઇડીની ઓફિસમાં સુરેશ રૈના હાજર રહે તેવી શક્યાતા હોવાનું અહેવાલો સુચવે છે. સુરેશ રૈના પહેલા, તાજેતરમાં તેલંગાણા પોલીસ (Telangana Police)એ રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને પ્રકાશ રાજ (Prakash Raj) સહિત લગભગ ૨૫ મોટા સ્ટાર્સ સામે સટ્ટાબાજીની એપ્સને પ્રોત્સાહન આપવા બદલ કેસ નોંધ્યો હતો. જ્યાં રાણા અને પ્રકાશે પોતાનું નિવેદન નોંધાવ્યું અને કહ્યું કે, તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી. હાલમાં, તેઓ આવા પ્લેટફોર્મનો પ્રચાર કરતા નથી.
નોંધનીય છે કે, સુરેશ રૈનાએ ૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સુરેશ રૈનાને ભારતના સૌથી સફળ મિડલ ઓર્ડર બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૨૨ મેચોમાં ૮૦૦૦ રન બનાવ્યા છે. આ ઉપરાંત, સુરેશ રૈના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. સુરેશ રૈનાની ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League - IPL)ની કારકિર્દી પણ ખૂબ જ પ્રભાવશાળી રહી છે. તેણે ૨૦૫ મેચોમાં ૫,૫૨૮ રન બનાવ્યા છે અને તેમને `મિસ્ટર IPL`નો ખિતાબ પણ મળ્યો છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK)ને ચાર વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેની ૧૦૦* રનની ઇનિંગ હજી પણ IPLની યાદગાર ઇનિંગમાંની એક માનવામાં આવે છે.