12 August, 2025 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી સાથે (ડાબેથી) ICCના CEO સંજોગ ગુપ્તા, BCCI સચિવ દેવજિત સૈકિયા, ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મિતાલી રાજ, ICC ચૅરમૅન જય શાહ, ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ, ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર, વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના અને સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ.
ગઈ કાલે મુંબઈમાં ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે 50 ડેઝ ટુ ગો ઇવેન્ટ યોજાઈ હતી. આગામી ૩૦ સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં આયોજિત આ વર્લ્ડ કપને હવે માંડ ૫૦ દિવસ બાકી છે ત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહની હાજરીમાં ટ્રોફી-ટૂરનો પણ મુંબઈથી શુભારંભ થયો હતો. આ ટૂર દરમ્યાન વર્લ્ડ કપ ટ્રોફી યજમાન શહેરોની સ્કૂલોમાં પણ પહોંચશે.
ભૂતપૂર્વ ભારતીય સ્ટાર મિતાલી રાજ અને યુવરાજ સિંહ સહિત પૅનલ-ચર્ચામાં ભારતીય વિમેન્સ ટીમની ત્રણ સ્ટાર ક્રિકેટર્સ હરમનપ્રીત કૌર, સ્મૃતિ માન્ધના અને જેમિમા રૉડ્રિગ્સ હાજર રહ્યાં હતાં. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા અને ICCના CEO સંજોગ ગુપ્તાએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.
યુવરાજ સિંહે મહિલા ક્રિકેટર્સને મોટિવેટ કરી
વર્ષ ૨૦૧૧ના વર્લ્ડ કપના શ્રેષ્ઠ પ્લેયર યુવરાજ સિંહે પૅનલ-ચર્ચા દરમ્યાન કહ્યું કે ‘હું કહીશ કે અપેક્ષાઓ અનુસાર નહીં પણ પરિસ્થિતિ અનુસાર રમો અને વર્તમાનમાં રહો. આ ઇતિહાસ રચવાની એક શાનદાર તક છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે શરૂઆતથી જ ચૅમ્પિયન બનવાનું વિચારવાનું શરૂ કરી દો. તમારે આ આખી પ્રક્રિયાને સમજવી પડશે કે અમે સખત મહેનત કરી છે અને પરિણામો તમારા પક્ષમાં આવશે. તમારે તમારામાં વિશ્વાસ રાખવો પડશે અને એવો વિશ્વાસ રાખવો પડશે કે તમે દેશ માટે મૅચ જીતી શકો છો.’