22 February, 2023 12:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ મંધાના ટી૨૦માં છઠ્ઠી વાર પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી. સોમવારે આયરલૅન્ડ સામે કૅપ્ટન હરમનપ્રીત ફક્ત ૧૩ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી (જમણે) . તસવીર એ.એફ.પી.
ભારતની મહિલા ટીમ સોમવારે સાઉથ આફ્રિકાના કેબેરા શહેરમાં આયરલૅન્ડને ડકવર્થ/લુઇસ મેથડના આધારે પાંચ રનના તફાવતથી હરાવીને ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ ત્યાર પછી ખુશખુશાલ કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ‘મારા અને મારી સાથી-ખેલાડીઓના આનંદની કોઈ સીમા નથી. અમે બેહદ ખુશ છીએ. હવે સેમી ફાઇનલમાં પણ અમે ૧૦૦ ટકા ક્ષમતાથી રમીશું અને જીતીને જ રહીશું.’
ટીમ-મીટિંગ્સમાં ખૂબ ચર્ચા કરી
જોકે હરમનપ્રીત ભારતીય બૅટર્સને નડી રહેલી ડૉટ-બૉલની સમસ્યા સેમી ફાઇનલ પહેલાં પૂરેપૂરી દૂર કરી લેવા માગે છે. તેણે espncricinfo.comને ઇંગ્લૅન્ડ સામેના પરાજયની વાત કરતાં કહ્યું કે ‘ઇંગ્લૅન્ડ સામે અમારા ઘણા ડૉટ-બૉલ હતા. અમે ટીમ-મીટિંગ્સમાં આ સમસ્યા દૂર કરવા પર ચર્ચા કરી છે અને હવે સેમી ફાઇનલમાં એમાં સુધારો જરૂર જોવા મળશે. ઑસ્ટ્રેલિયન ટીમ સામે રમવામાં અમે હંમેશાં એન્જૉય કરીએ છીએ. એ ડુ ઑર ડાય મૅચમાં અમે જરૂર સારું રમીશું.’
મંધાના પ્લેયર ઑફ ધ મૅચ
સોમવારે ભારતે આયરલૅન્ડ સામે ૧૫૫/૬નો પડકારરૂપ સ્કોર નોંધાવ્યો હતો. સ્મૃતિ મંધાના (૮૭ રન, ૫૬ બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી. આયરલૅન્ડના ૧૫૬ રનના લક્ષ્યાંક સામે ૮.૨ ઓવરમાં બે વિકેટે ૫૪ રન હતા ત્યારે ભારે પવન બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને પછી બાકીની રમત થઈ જ નહોતી શકી. એ તબક્કે ઍટ-પાર સ્કોરમાં ભારતીય ટીમ પાંચ રનથી આગળ હોવાથી ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
3
ભારતીય મહિલા ટીમ સોમવારે લાગલગાટ આટલામા ટી૨૦ વર્લ્ડ કપ (૨૦૨૩, ૨૦૨૦, ૨૦૧૮, ૨૦૧૦, ૨૦૦૯)માં સેમીમાં પહોંચી હતી.
હરમનપ્રીતે શૉટ સિલેક્શનમાં સુધારો કરવો પડશે. અનુભવને આધારે માથે નવી જવાબદારીઓ તો આવે, પણ એમાં પોતાનો પર્ફોર્મન્સ પણ સારો રાખવો પડે.- અમોલ મઝુમદાર