ભારતનું ટી૨૦ વર્લ્ડ કપમાં આજથી રિહર્સલ

18 October, 2021 04:33 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડ સામેની આજની અને ઑસ્ટ્રેલિયા સામેની બુધવારની વૉર્મ-અપ મૅચ નક્કી કરશે પાકિસ્તાન વિરુદ્ધની પ્લેઇંગ ઇલેવન

હાર્દિક પંડ્યા

દુબઈમાં શુક્રવારે મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના ચૅમ્પિયન કૅપ્ટન તરીકે હતો, પરંતુ આજે તે એ જ સ્થળે ભારતીય ટીમના મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. ટી૨૦ વર્લ્ડ કપના ગઈ કાલે શરૂ થઈ ગયેલા ક્વૉલિફાઇંગ રાઉન્ડ વચ્ચે આજે (સાંજે ૭.૩૦ વાગ્યાથી) ભારતની દુબઈમાં પ્રથમ વૉર્મ-અપ (પ્રૅક્ટિસ) મૅચ છે જેમાં ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સામે થશે.

વિરાટ કોહલી આ વર્લ્ડ કપ પછી ભારતની ટી૨૦ ટીમનું સુકાન છોડી રહ્યો હોવાથી તે આજથી જ ૨૦૦ ટકા ક્ષમતાથી રમતો જોવા મળશે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર સૌકોઈની નજર રહેશે, કારણ કે તે બોલિંગ કરી શકશે કે નહીં એ જોવું રહ્યું. બીજું, ઓપનિંગમાં વાઇસ-કૅપ્ટન રોહિત શર્માની સાથે કે. એલ. રાહુલને મોકલવો કે વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશનને અજમાવવો એ વિશે કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેમ જ મેન્ટર ધોની દ્વિધામાં હશે.

રાહુલ આઇપીએલમાં ૬૨૬ રન સાથે ત્રીજા નંબરે હતો એટલે તેને ફૉર્મ જાળવી રાખવા આજે ઓપનિંગમાં રમાડવો જરૂરી જણાય છે. તેની કુલ ૩૦ સિક્સર આઇપીએલના તમામ પ્લેયરોમાં હાઇએસ્ટ હતી. જોકે મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી બે મૅચમાં ઈશાન કિશને રોહિતના ઉપયોગી પાર્ટનર તરીકેની ભૂમિકા ભજવી હતી.

આજે ઇંગ્લૅન્ડ સામે રવીન્દ્ર જાડેજાને ઇલેવનમાં લગભગ સમાવાશે જ, તેની સાથે વરુણ ચક્રવર્તી હશે અને બીજા બે સ્પિનરોમાં અશ્વિન અથવા રાહુલ ચાહર જોવા મળી શકે. પેસ બોલિંગમાં ભારત પાસે ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમી તથા શાર્દુલ ઠાકુર પણ છે.

બીજી તરફ, ઇંગ્લૅન્ડનું સુકાન આઇપીએલની રનર-અપ ટીમ કલકત્તાનો સુકાની ઇયોન મૉર્ગન છે તેમ જ તેની સાથે જેસન રૉય, જૉસ બટલર, લિયામ લિવિંગસ્ટન, ડેવિડ મલાન, જૉની બેરસ્ટૉ (વિકેટકીપર) મોઇન અલી, ટૉમ કરૅન ક્રિસ વૉક્સ, માર્ક વુડ અને ક્રિસ જૉર્ડન તથા આદિલ રાશિદ વગેરે છે.

હાર્દિક સરખી બોલિંગ કરે તો જ વર્લ્ડ કપમાં રમાડો :ગંભીર

ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ગૌતમ ગંભીરનો મત છે કે ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા જો પ્રૅક્ટિસ મૅચો (વૉર્મ-અપ મૅચો)માં સરખી બોલિંગ કરી શકતો હોય તો જ તેને વર્લ્ડ કપની પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવો જોઈએ.

હાર્દિકે ૨૦૧૯માં પીઠની સર્જરી કરાવી ત્યાર પછી તેણે ભારત વતી કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વતી રાબેતા મુજબ બોલિંગ નથી કરી. હાર્દિક વર્લ્ડ કપમાં કદાચ બોલિંગ નહીં કરી શકે એવું ધારીને જ સિલેક્ટરોએ તાજેતરમાં શાર્દુલ ઠાકુરને સ્ટૅન્ડ-બાયમાંથી મુખ્ય ટીમમાં લાવીને ઠાકુરના સ્થાને અક્ષર પટેલને મૂકી દીધો હતો. ગંભીરે કહ્યું કે ‘પ્રૅક્ટિસ મૅચમાં બોલિંગ કરવી અને બાબર આઝમની પાકિસ્તાન જેવી સ્ટ્રૉન્ગ ટીમ સામે બોલિંગ કરવી એ બન્નેમાં ઘણો ફરક છે. હાર્દિકે નેટમાં તેમ જ વૉર્મ-અપ મૅચમાં સંતોષકારક બોલિંગ કરી શકે તો જ તેને વર્લ્ડ કપની ઇલેવનમાં સમાવવો જોઈશે.’

“ભારતની ટી૨૦ વર્લ્ડ કપ ટીમના ખેલાડીઓને મારો સંદેશ છે કે તમે ટી૨૦ ટીમના કૅપ્ટનપદેથી વિદાય લઈ રહેલા વિરાટ કોહલીને ટ્રોફીના રૂપમાં ફેરવેલ-ગિફ્ટ આપજો. કોહલી આ વિજેતાપદ સાથે પોતાના સુકાન પર પડદો પાડવાને પાત્ર છે. મૅન, ડૂ ઇટ ફૉર વિરાટ.” : સુરેશ રૈના

sports sports news cricket news world t20 wt20 world cup t20 world cup india