સાઉથ આફ્રિકાની ૬ વિકેટે જીત, UAE ખાલી હાથે રવાના

19 February, 2026 09:33 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

માર્કરમની સેના ચારેય લીગમાં જીતના જોશ બાદ હવે રવિવારે ભારત સામે સુપર 8માં બાથ ભીડશે

સાઉથ આફ્રિકન પેસબોલરો ઍન્રિક નૉર્ખિયાએ બે અને કૉર્બિન બૉશે ૩ વિકેટ લીધી હતી. બૉશ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

ગઈ કાલે દિલ્હીમાં સાઉથ આફ્રિકાએ જીતનો લય જાળવી રાખીને ચોથી અને છેલ્લી લીગ મૅચમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ને ૬ વિકેટે હરાવી દીધું હતું. આમ ચારેય લીગમાં જીત મેળવીને હાઈ કૉન્ફિડન્સ સાથે હવે સુપર 8ના પહેલા મુકાબલામાં રવિવારે ભારત સામે મેદાનમાં ઊતરશે. બીજી તરફ ચારેય લીગમાં હાર સાથે UAEએ ખાલી હાથે ઘરે રવાના થવું પડ્યું હતું.

સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ટૉસ જીતીને UAEને પહેલાં બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સુપર 8માં સ્થાન પાકું થઈ ગયું હોવાથી આફ્રિકાએ લુંગી ઍન્ગિડી અને માર્કો યાનસેનને આરામ આપીને ઍન્રિક નૉર્ખિયા, જેશન ‌સ્મિથ અને ક્વેના મફાકાને આ ટુર્નામેન્ટમાં પહેલી વાર મેદાનમાં ઉતાર્યા હતા. નૉર્ખિયાની બે અને કૉર્બિન બૉશની ૪ ઓવરમાં માત્ર ૧૨ રનમાં ૩ વિકેટના પર્ફોર્મન્સ સામે UAE ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૨ રન જ બનાવી શક્યું હતું. જેમાં વન-ડાઉન બૅટર અલિશાન શરાફુના ૪૫ રન હાઇએસ્ટ હતા. સાઉથ આફ્રિકાએ ૧૩.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ આસાનીથી મેળવી લીધો હતો. કૉર્બિન બૉશ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 

૪-૪ કૅચ ડ્રૉપ કર્યા

શાનદાર જીત છતાં સાઉથ આફ્રિકાને આ મૅચની નબળી ફી​લ્ડિંગે ચિંતામાં મૂકી દીધું છે. આફ્રિકન ફીલ્ડરોએ એક-બે નહીં પણ ૪-૪ કૅચ ડ્રૉપ કર્યા હતા. પહેલાં વિકેટકીપર ક્વિટન ડી કૉકે ઓપનર આર્યંશ શર્માનો સહેલો કૅચ પડતો મૂક્યો હતો. ત્યાર બાદ નૉર્ખિયાએ બે અને ‌સ્મિથે પણ એક કૅચ ડ્રૉપ કર્યો હતો. 

t20 world cup international cricket council world cup south africa united arab emirates new delhi arun jaitley cricket news sports sports news