મૅચ ઝિમ્બાબ્વે-આયરલૅન્ડની રદ થઈ, આઉટ ઑસ્ટ્રેલિયા થયું

18 February, 2026 10:08 AM IST  |  Pallekele | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપમાં ૧૭ વર્ષ બાદ કાંગારૂઓ ગ્રુપ-સ્ટેજ રમીને ઘરભેગા થશે : પલેકેલેમાં ગઈ કાલે મૅચ વરસાદને કારણે પડતી મુકાઈ

ડ્રેસિંગ રૂમ પાસે ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર રઝા સહિતના પ્લેયર્સ સ્ટૅન્ડ્સમાં હાજર ક્રિકેટ-ફૅન્સ સાથે સુપર 8માં પહોંચવાની ખુશીમાં પારંપરિક ગીતો ગાઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ગઈ કાલે પહેલી વખત કોઈ મૅચ રદ રહી હતી. શ્રીલંકાના પલેકેલેમાં ગઈ કાલે બપોરે ગ્રુપ Bની ઝિમ્બાબ્વે અને આયરલૅન્ડની મૅચ વરસાદને કારણે ટૉસ વિના રદ થઈ હતી. આ ગ્રુપમાં શ્રીલંકા બાદ ઝિમ્બાબ્વેએ પાંચ પૉઇન્ટ સાથે બીજા ક્રમે પોતાનું સ્થાન મજબૂત કરીને સુપર 8માં પ્રવેશ કર્યો હતો. ૨૦૨૧ની ચૅમ્પિયન ટીમ ઑસ્ટ્રેલિયા સાથે આયરલૅન્ડ પણ રેસમાંથી બહાર થઈ ગયું હતું.

ઑસ્ટ્રેલિયાએ આયરલૅન્ડ સામેની સરળ જીત સાથે અભિયાનની શરૂઆત કરી હતી. જોકે ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે બૅક-ટુ-બૅક હાર મળતાં એનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું લગભગ નક્કી થઈ ગયું હતું. છેલ્લે ઑસ્ટ્રેલિયન ટીમ ૨૦૦૯માં ગ્રુપ-સ્ટેજ રમીને ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થઈ હતી. અગાઉની ૯ સીઝનમાંથી ઑસ્ટ્રેલિયા ૨૦૧૦ અને ૨૦૨૧ની ફાઇનલ મૅચ રમ્યું હતું, ૨૦૦૭ અને ૨૦૧૨માં સેમી-ફાઇનલ સુધી પહોંચ્યું હતું જ્યારે ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૨, ૨૦૨૪માં સુપર 8 જેવા નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું હતું.

ઑસ્ટ્રેલિયાના વર્તમાન T20 કૅપ્ટન મિચલ માર્શે ચૅમ્પિયન બનવાના નશામાં ચૂર થઈને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂક્યો હતો ત્યારથી ઑસ્ટ્રેલિયન ટીમ ICC ટુર્નામેન્ટની સૌથી સફળ ચૅમ્પિયન ટીમ બની શકી નથી. એની પનોતી આ T20 વર્લ્ડ કપમાં પણ જોવા મળી. ઑસ્ટ્રેલિયાના મુખ્ય પેસ બોલર પૅટ કમિન્સ, જૉશ હેઝલવુડ ઇન્જરીને કારણે બહાર થઈ ગયા હતા. મિચલ માર્શ પોતે પણ ઇન્જરીનો સામનો કરીને હમણાં સુધી એક મૅચ જ રમી શક્યો હતો.

ઑસ્ટ્રેલિયા ૨૦ ફેબ્રુઆરીએ તળિયાની ટીમ ઓમાન સામે રમીને પોતાના અભિયાનનો અંત કરશે. ગ્રુપ-ટૉપર શ્રીલંકા અને ઝિમ્બાબ્વે એ પહેલાં ૧૯ ફેબ્રુઆરીએ એકબીજા સામે રમીને સુપર 8 પહેલાં પોતાની તૈયારીને આખરી ઓપ આપશે. 

t20 world cup international cricket council world cup ireland zimbabwe australia cricket news sports sports news