અમદાવાદમાં ભારતીય ટીમ આઠમાંથી માત્ર બે મૅચ હારી છે, નેધરલૅન્ડ્સ અહીં પહેલી વખત રમશે
ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા ભારતીય ક્રિકેટરો
મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત આજે પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમવા ઊતરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યે ભારત અને નેધરલૅન્ડ્સની મૅચ શરૂ થશે. નેધરલૅન્ડ્સ પોતાના અભિયાનની શરૂઆતમાં પાકિસ્તાન સામે હાથમાં આવેલી જીત ગુમાવીને ૩ વિકેટે હાર્યું હતું. એને પહેલી જીત નામિબિયા સામે ૭ વિકેટે મળી હતી, જ્યારે ત્રીજી મૅચમાં અમેરિકા સામે ૯૩ રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ અમેરિકા, નામિબિયા, પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે જીતનો ચોગ્ગો મારવા ઊતરશે.
જો નેધરલૅન્ડ્સ આજે ભારત સામે મોટો અપસેટ સર્જીને પોતાનો નેટ રન-રેટ સુધારવામાં સફળ રહ્યું તો એ અમેરિકા અને પાકિસ્તાનને સુપર 8ની રેસમાં જબરદસ્ત ટક્કર આપી શકે છે. ભારત અને નેધરલૅન્ડ્સ વચ્ચે T20 ફૉર્મેટમાં એકમાત્ર ટક્કર ૨૦૨૨ના વર્લ્ડ કપ દરમ્યાન સિડનીમાં થઈ હતી. ભારતે ૧૭૯ રનનો સ્કોર ડિફેન્ડ કરીને ૫૬ રને જીત નોંધાવી હતી. બન્ને વચ્ચે ૨૦૦૩, ૨૦૧૧ અને ૨૦૨૩ના વર્લ્ડ કપમાં વન-ડે મૅચ રમાઈ હતી. આ ત્રણેય મૅચમાં ભારતે અનુક્રમે ૬૮ રન, પાંચ વિકેટ અને ૧૬૦ રને જીત નોંધાવી હતી.
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમ પહેલી જ વખત સામસામે ટકરાશે. નેધરલૅન્ડ્સ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોઈ પણ ફૉર્મેટની એક પણ મૅચ નથી રમ્યું. આ મેદાન પર ભારત ૮ T20 મૅચમાંથી ૬ મૅચ જીત્યું છે. માત્ર બે હાર ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ સામેની દ્વિપક્ષીય સિરીઝ દરમ્યાન મળી હતી. ભારત અહીં છેલ્લી ૪ T20 મૅચથી અજેય છે.
