17 February, 2026 10:54 AM IST | Colombo | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
રવિવારે પાકિસ્તાન સામેની મૅચમાં ભારતના તિલક વર્મા, ઈશાન કિશન અને કુલદીપ યાદવે કૅચ છોડ્યા હતા. કુલદીપ યાદવે હાર્દિક પંડ્યાની ઓવરના બીજા બૉલ પર શાહીન આફ્રિદીનો હાથમાં આવેલો કૅચ છોડી દેતાં બૉલ બાઉન્ડરી પાર જતાં પાકિસ્તાનને ૬ રન મળ્યા હતા. જોકે અઢારમી ઓવરના અંતિમ બૉલ પર અંતિમ વિકેટ પડતાં પાકિસ્તાની ટીમ વધુ રન કરી શકી નહોતી.
મૅચ બાદ હાર્દિક પંડ્યા અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ હૅન્ડશેક દરમ્યાન કુલદીપ યાદવ પર બરાબર ભડક્યા હતા. વાઇરલ વિડિયોમાં બન્ને ખેલાડીઓએ કુલદીપને ગાળો પણ આપી હતી. સ્પિનર કુલદીપ યાદવ મોઢું છુપાવીને બન્નેથી દૂર જવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. નબળી ફીલ્ડિંગને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ દરમ્યાન સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ જાહેરમાં કુલદીપ યાદવને ખખડાવી ચૂક્યા છે.
કોલંબોમાં પાકિસ્તાન સામેની મૅચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ શિવમ દુબેએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઇમ્પૅક્ટ પ્લેયર ઑફ ધ મૅચનો મેડલ જીત્યો હતો. તે પાકિસ્તાન સામે છઠ્ઠા ક્રમે ૧૫૮.૮૨ના સ્ટ્રાઇક-રેટથી રમ્યો હતો. તેણે રનઆઉટ થતાં પહેલાં ૧ સિક્સ, ૩ ફોરની મદદથી ૧૭ બૉલમાં ૨૭ રન ફટકાર્યા હતા. તેને બોલિંગ નહોતી મળી, પણ ફીલ્ડિંગ દરમ્યાન તેણે શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝના શાનદાર કૅચ પકડ્યા હતા.