06 July, 2025 12:30 PM IST | London | Gujarati Mid-day Correspondent
૨૭ રનમાં ૩ વિકેટ લઈને ભારત માટે સૌથી પ્રતિભાશાળી બોલર સાબિત થઈ દીપ્તિ શર્મા.
ઇંગ્લૅન્ડ વિમેન્સ ટીમે ત્રીજી T20 મૅચ પાંચ રને જીતીને પાંચ મૅચની સિરીઝમાં પહેલો વિજય નોંધાવીને સ્કોરલાઇનને ૨-૧થી રોમાંચક બનાવી છે. ઇંગ્લૅન્ડે ઓપનર્સની ૧૩૭ રનની ભાગીદારીને આધારે નવ વિકેટ ગુમાવીને ૧૭૧ રન ફટકાર્યા હતા. ૧૭૨ રનના ટાર્ગેટ સામે ઓપનર્સ સ્મૃતિ માન્ધના (૪૯ બૉલમાં ૫૬ રન) અને શફાલી વર્મા (પચીસ બૉલમાં ૪૭ રન)ની ૮૫ રનની ભાગીદારી છતાં ભારત પાંચ વિકેટે ૧૬૬ રન જ કરી શક્યું હતું. ભારતને રન-ચેઝ સમયે અંતિમ ઓવરમાં જીત માટે ૧૨ રનની જરૂર હતી ત્યારે કૅપ્ટન હરમનપ્રીત કૌર (૧૭ બૉલમાં ૨૩ રન)ની હાજરી છતાં ભારત માત્ર ૬ રન બનાવી શક્યું હતું.
ભારતીય ટીમે ૧૬મી ઓવરની શરૂઆત બાદ ઇંગ્લૅન્ડની નવ વિકેટ પચીસ બૉલમાં લીધી હતી. આ સમયગાળામાં યજમાન ટીમ માત્ર ૩૧ રન જ કરી શકી હતી. મેન્સ અને વિમેન્સ બન્ને ફૉર્મેટના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ સૌથી ઓછા બૉલમાં નવ વિકેટ લેવાનો વર્લ્ડ રેકૉર્ડ હતો.