29 June, 2026 04:25 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હરમનપ્રીત કૌર (તસવીર: X)
લોર્ડ્સ ખાતે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપની કરો યા મરો મૅચમાં, ઑસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટથી હરવતા વુમન ઇન બ્લૂ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયા. આ હાર સાથે, ભારતીય મહિલા ટીમનો ટુર્નામેન્ટમાં પ્રવાસ સમાપ્ત થયો, જ્યારે ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ગ્રુપ A માંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયા. આ મૅચ જીતવી ભારત માટે મહત્તવપૂર્ણ હતી. પ્રથમ બૅટિંગ કરતા, ભારતીય ટીમે કૅપ્ટન હરમનપ્રીત કૌરની 56 રનની શાનદાર ઇનિંગ અને અંતિમ ઓવરમાં ત્રણ છગ્ગાની મદદથી 4 વિકેટે 170 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો. જોકે, ભારતીય બૉલરો ટાર્ગેટ ચેસ રોકી શક્યા નહીં; ઑસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં - છ બૉલ બાકી રહેતા - ચાર વિકેટ ગુમાવીને તેનો સફળતાપૂર્વક ચેસ કર્યો. એલિસે પૅરી (56 રન) અને એશ્લે ગાર્ડનર (53 રન) એ ઑસ્ટ્રેલિયા માટે મૅચવિનિંગ ઇનિંગ રમી. આ જોડીએ ચોથી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી. એક સમયે, ઑસ્ટ્રેલિયા 3 વિકેટે 68 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું, પરંતુ પેરી અને ગાર્ડનર વચ્ચેની ભાગીદારીએ મૅચ ભારતની પહોંચ બહાર કરી દીધી.
મૅચ પછી, કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટીમના પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી અને સ્વીકાર્યું કે ભારત મજબૂત ટીમો સામે અપેક્ષા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયું. તેણે કહ્યું, "જો હું આખી ટુર્નામેન્ટ પર નજર નાખું તો, અમે મોટી ટીમો સામે ખૂબ જ નિરાશાજનક રીતે રમ્યા. સામાન્ય રીતે, તમે વિશ્વની શ્રેષ્ઠ ટીમો સામે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર લાવો છો, પરંતુ અમારા માટે એવું બન્યું નહીં. આપણે આ અંગે ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે." પાછલી મૅચોમાં ભૂલોનો ઉલ્લેખ કરતા, તેણે ઉમેર્યું, "તે કેચ છોડવાથી અમને ખૂબ નુકસાન થયું. જોકે અમે આજે અંત સુધી સ્પર્ધામાં રહ્યા, પરંતુ સત્ય એ છે કે અમે અમારા પોતાના ધોરણો પ્રમાણે રમી શક્યા નહીં."
હરમનપ્રીત કૌરે જણાવ્યું કે ટીમ લાંબા સમયથી એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહી છે. તેના મતે, મહત્તવપૂર્ણ ક્ષણોમાં - ખાસ કરીને અંતિમ ઓવર્સમાં - વધુ પડતા રન આપવા અને લક્ષ્યોનો પીછો કરતી વખતે બૅટિંગના દબાણ સામે ઝૂકી જવું એ ટીમ માટે મુખ્ય મુદ્દાઓ બની ગયા છે. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર ટીમે નોંધપાત્ર સ્ટ્રેટજીમાં ફેરફારો કરવાની અને આ ખામીઓને ઝડપથી દૂર કરવાની જરૂર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2009 માં શરૂ થયો હતો. છેલ્લા 17 વર્ષોમાં, 10 ટુર્નામેન્ટ યોજાઈ છે, છતાં ભારતીય મહિલા ટીમ ક્યારેય ટાઇટલ જીતી શકી નથી. ભારત ફક્ત એક જ વાર 2020 માં ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેઓ ઑસ્ટ્રેલિયા સામે 85 રનથી હારી ગયા હતા. આ દરમિયાન, ઑસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપના દરેક ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચવાનો 100 ટકા રેકોર્ડ જાળવી રાખ્યો છે. ઑસ્ટ્રેલિયન ટીમ સાત વખત ફાઇનલમાં રમી છે અને છ વખત વર્લ્ડ ચૅમ્પિયન બની છે. આ જીત સાથે, તેઓ હવે તેમનો સાતમો T20 વર્લ્ડ કપ ખિતાબ મેળવવાથી માત્ર એક ડગલું દૂર છે.