✕

IPL 2027 માટે થઈ જાયન્ટ ટ્રેડ-ડીલ

08 November, 2026 08:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યા ગયો પંજાબ કિંગ્સમાં, અર્શદીપ સિંહ આવ્યો મુંબઈ ઇન્ડિયન્સમાં.

હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના આ મહિનાના અંતમાં યોજાનારા મેગા ઑક્શન પહેલાં ખેલાડીઓની અદલાબદલીમાં એક મોટો ધડાકો થયો છે. મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં ટ્રેડ થયો છે, જ્યારે તેના બદલામાં ઝડપી બોલર અર્શદીપ સિંહ હવે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે. મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આ ખેલાડીઓની અદલાબદલી વિશે સહમતી સધાઈ ગઈ છે.

IPLના એક વિશ્વસનીય સૂત્રએ આ ટ્રેડ પૂરો થયો હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ રમવા માટે ઉત્સાહિત છે. સૂત્રના જણાવ્યા અનુસાર હાર્દિકના બદલામાં અર્શદીપને મુંબઈ મોકલવાનો નિર્ણય પંજાબ કિંગ્સના કૅપ્ટન અને કોચે લીધો હતો. અર્શદીપ લાંબા સમયથી પંજાબ સાથે સંકળાયેલો હતો અને આ ફ્રૅન્ચાઇઝીમાં તેણે મેળવેલી સફળતાને કારણે તે આજે એક સ્ટાર બોલર બન્યો છે. માલિકો માટે તેને છોડવાનો નિર્ણય સરળ નહોતો, પરંતુ કૅપ્ટન અને કોચના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને આ આખરી ફેંસલો લેવામાં આવ્યો હતો.

બાય બાય મુંબઈ

આ મોટા ફેરફાર સાથે મુંબઈ ઇન્ડિયન્સ સાથે હાર્દિકની બીજી ઇનિંગ્સનો હવે અંત આવ્યો છે. ૨૦૨૪ની સીઝનમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક કૅપ્ટન તરીકે મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો હતો. જોકે એ પછીની ત્રણ સીઝનમાં મુંબઈની ટીમ બે વાર પ્લે-ઑફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી અને કૅપ્ટન તરીકે તેનું પ્રદર્શન ધાર્યા મુજબનું રહ્યું નહોતું.

ipl 2027 indian premier league arshdeep singh hardik pandya mumbai indians punjab kings shreyas iyer cricket news sports news sports