25 June, 2025 10:32 AM IST | London | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઇંગ્લૅન્ડમાં ભારતીય વિમેન્સ ટીમ અને અન્ડર-19 મેન્સ ટીમ વૉર્મ-અપ મૅચમાં જ્યારે સિનિયર મેન્સ ટીમ પહેલી ટેસ્ટ-મૅચ દરમ્યાન દિલીપ દોશીના સન્માનમાં કાળી પટ્ટી બાંધીને રમવા ઊતરી હતી.
ભારતના ભૂતપૂર્વ ડાબા હાથના સ્પિનર દિલીપ દોશીનું સોમવારે ૭૭ વર્ષની વયે લંડનમાં હાર્ટ અટૅકથી અવસાન થયું હતું. ૧૯૪૭ની બાવીસ ડિસેમ્બરે રાજકોટમાં જન્મેલા આ ક્રિકેટરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો, પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને શાનદાર બોલિંગ કરવાની ક્ષમતાને કારણે તેમણે પોતાની છાપ છોડી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ સહિત ભારતીય ક્રિકેટની હસ્તીઓએ સોશ્યલ મીડિયા પર તેમને શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી હતી.
ટેસ્ટ-ક્રિકેટમાં તેમનાં કેટલાંક યાદગાર પ્રદર્શનમાં ૧૯૮૧માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની ઐતિહાસિક જીતનો સમાવેશ થાય છે. આ મૅચમાં તેમણે ફ્રૅક્ચર થયેલા પગના અંગૂઠા છતાં બોલિંગ કરી પાંચ વિકેટ લીધી હતી અને ભારતને નાના ટાર્ગેટનો બચાવ કરવામાં મદદ કરી હતી. ૧૯૭૯માં ૩૨ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર દિલીપ દોશી મુખ્યત્વે બંગાળ અને સૌરાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા હતા. ચેન્નઈમાં કાંગારૂ ટીમ સામે ડેબ્યુ મૅચમાં તેમણે પહેલી ઇનિંગ્સમાં ૬ સહિત કુલ ૮ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં તેમણે નૉટિંગહૅમશર અને વૉરવિકશર ટીમ માટે પ્રભાવશાળી ક્રિકેટ રમ્યા હતા.
દિલીપ દોશી
ક્રિકેટ-કરીઅરમાં કેવો રહ્યો રેકૉર્ડ?
૧૯૭૯થી ૧૯૮૩ દરમ્યાન તેમણે ૩૩ ટેસ્ટમાં ૧૧૪ વિકેટ અને ૧૫ વન-ડેમાં બાવીસ વિકેટ લીધી હતી. તેમની બોલિંગ-ઍવરેજ ૩૦.૭૧ અને ઇકૉનૉમી-રેટ ૨.૨૫ હતો જે તેમની ચોકસાઈ અને નિયંત્રણ દર્શાવે છે. ૧૯૮૬માં નિવૃત્તિ પહેલાં તેમણે ૨૩૮ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૮૯૮ વિકેટ ઝડપી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૪૩ વખત પાંચ પ્લસ વિકેટ લીધી હતી.
૧૯૮૧માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં બોલિંગ કરતા દિલીપ દોશી.
કોણે શું કહ્યું?
હું દિલીપભાઈને પહેલી વાર ૧૯૯૦માં ઇંગ્લૅન્ડમાં મળ્યો હતો અને એ પ્રવાસ પર તેમણે મને નેટ્સમાં બોલિંગ કરી હતી. તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા અને હું તેમની લાગણીઓનું પણ સન્માન કરતો હતો. મને તેમની સાથેની ક્રિકેટની વાતચીતોની યાદ આવશે.
- સચિન તેન્ડુલકર
દોષરહિત, સજ્જન અને અદ્ભુત બોલર. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.
- રવિ શાસ્ત્રી
દિલીપ દોશી સ્પિન બોલિંગના સાચા કલાકાર હતા. તેઓ મેદાનની અંદર અને બહાર એક સજ્જન
અને ભારતીય ક્રિકેટના સમર્પિત સેવક હતા.
- BCCI પ્રમુખ રૉજર બિન્ની
દિલીપ દોશી સરના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમણે ગૌરવ અને ધીરજથી ભારતીય ક્રિકેટની સેવા કરી હતી.
- પ્રજ્ઞાન ઓઝા