ઍશિઝમાં દિલધડક ડ્રૉ : બ્રિટિશરો જાણે જંગ જીત્યા

10 January, 2022 03:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વાઇટવૉશની ઑસ્ટ્રેલિયાની આશા પર ત્રણ બૅટર્સે પાણી ફેરવી નાખ્યું

સિડનીમાં ગઈ કાલે અંતિમ ઓવરમાં જેમ્સ અૅન્ડરસને ઑસ્ટ્રેલિયાના ૯ ફીલ્ડરો અને સ્પિનર સ્ટીવ સ્મિથનો સફળતાથી સામનો કર્યો હતો. (તસવીર : એ.એફ.પી.)

ઍશિઝ ટેસ્ટ-સિરીઝના ઇતિહાસમાં ક્યારેક ઑસ્ટ્રેલિયાનું વર્ચસ હોય છે તો ક્યારેક ઇંગ્લૅન્ડે પ્રભુત્વ જમાવ્યું હોય છે. વર્તમાન પાંચ મૅચની શ્રેણીમાં પહેલી ત્રણેય મૅચ જીતીને ૩-૦થી વિજયી સરસાઈ લેનાર કાંગારૂઓને આખી મૅચમાં ઉસ્માન ખ્વાજાની બે સેન્ચુરી (૧૩૭ અને ૧૦૧ અણનમ) સહિત જડબેસલાક દેખાવ કર્યા બાદ ગઈ કાલે સિડનીમાં ચોથી ટેસ્ટ પણ જીતી લેવાનો બહુ સારો મોકો હતો, પરંતુ ઇંગ્લૅન્ડના ત્રણ બૅટર્સ જૅક લીચ (૨૬ રન, ૩૪ બૉલ, ૭૭ મિનિટ, બે ફોર), સ્ટુઅર્ટ બ્રૉડ (૮ અણનમ, ૩૫ બૉલ, ૪૭ મિનિટ) અને જેમ્સ ઍન્ડરસન (૦ અણનમ, ૬ બૉલ, ૮ મિનિટ) પ્રચંડ પ્રેશરમાં પોતાની ઇનિંગ્સ દરમ્યાન જાણે કાંગારૂ બોલરો સામે દીવાલ બની ગયા હતા, જેને પરિણામે છેવટે કાંગારૂઓની ટીમે વિજયથી હાથ ધોઈ નાખવા પડ્યા હતા. આ ત્રણ બૅટર્સે કાંગારૂ બોલર્સને આખરી ૧૦થી પણ વધુ ઓવર (કુલ ૬૪ બૉલ)માં ખૂબ સંઘર્ષ કરાવ્યો હતો અને તેમને ૨૭૦/૯ના સ્કોર સાથે વિજયથી વંચિત રાખ્યા હતા અને આમ ૫-૦ના વાઇટવૉશની ઑસ્ટ્રેલિયાની આશા પર પાણી ફરી વળ્યું હતું.
છેલ્લી બે ઓવરની થ્રિલર
ઇંગ્લૅન્ડને જીતવા માટે ૩૮૮ રનનો અશક્ય લક્ષ્યાંક મળ્યો હતો. નૉન-રેગ્યુલર લેગ સ્પિનર સ્ટીવ સ્મિથે થર્ડ-લાસ્ટ ઓવરમાં જૅક લીચની વિકેટ લીધી હોવાથી કૅપ્ટન પૅટ કમિન્સે તેને મૅચની અંતિમ ઓવર (ઓવર નંબર ૧૦૨) આપી હતી, પરંતુ નૉન-રેગ્યુલર બૅટર ઍન્ડરસન એ ઓવરને વિકેટ-મેઇડન પૂરી કરતાં છેવટે સમય પૂરો થઈ જતાં મૅચ ડ્રૉ જાહેર કરાઈ હતી. એની આગલી ઓવર (ઓવર નંબર ૧૦૧) સ્પિનર લાયને કરી હતી જે સ્ટુઅર્ટ બ્રૉડે વિકેટ નહોતી ગુમાવી અને એ ઓવર પણ વિકેટ-મેઇડન ગઈ હતી. બ્રિટિશરોની આખી ઇનિંગ્સમાં ઝૅક ક્રૉલીના ૭૭ અને બેન સ્ટોક્સના ૬૦ રન સૌથી વધુ હતા.
ખ્વાજા મૅન ઑફ ધ મૅચ
ખ્વાજા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. જોકે મૅચમાં કુલ ૭ વિકેટ અને મેલબર્નમાં ડેબ્યુ કર્યા બાદ બે ટેસ્ટમાં કુલ ૧૪ વિકેટ લેનાર ફાસ્ટ બોલર સ્કૉટ બોલૅન્ડ પણ દાવેદાર હતો. ગઈ કાલના દાવમાં પૅટ કમિન્સ અને લાયને બે-બે વિકેટ લીધી હતી.
કાંગારૂઓ શ્રેણીમાં ૩-૦થી આગળ છે અને આખરી ટેસ્ટ ૧૪મી જાન્યુઆરીથી હૉબાર્ટમાં રમાશે. ઇંગ્લૅન્ડનો વિકેટકીપર જૉસ બટલર હાથની આંગળીના ફ્રૅક્ચરને કારણે સ્વદેશ પાછો આવી રહ્યો છે.

4
ઈજાગ્રસ્ત બટલરના સ્થાને હવે વિકેટકીપિંગ કરનાર ઑલી પોપે સબસ્ટિટ્યુટ તરીકે ઑસ્ટ્રેલિયાના બીજા દાવમાં આટલા કૅચ પકડવાના રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી.

sports sports news cricket news england australia