29 November, 2023 09:25 AM IST | Gurgaon | Gujarati Mid-day Correspondent
ગુડગાંવમાં ગઈ કાલે પોતાના નામે શરૂ થયેલી ગૉલ્ફ ટુર્નામેન્ટની ટ્રોફી સાથે કપિલ દેવ (તસવીર : પી.ટી.આઇ.)
૧૯૮૩ના વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે ગઈ કાલે ગુડગાંવમાં પોતાના નામે શરૂ થયેલી કપિલ દેવ ગ્રાન્ટ થૉર્નટન ઇન્વિટેશનલ ગૉલ્ફ ટુર્નામેન્ટની આરંભવિધિ વખતે પત્રકારોને ૧૯ નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેના શૉકિંગ પરાજય સંદર્ભે કહ્યું હતું કે ‘ઘણી વાર વધુપડતી આશા રાખવામાં આવે ત્યારે હાર્ટ-બ્રેક થાય છે એટલે હંમેશાં સંતુલન ખૂબ જરૂરી હોય છે. બીજું, ભારતીય ક્રિકેટપ્રેમીઓએ વધુપડતું પ્રેશર ટાળીને ક્રિકેટને બીજી રમતોની જેમ જ માણવી જોઈએ.’
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ગૉલ્ફ રમવામાં ઘણોખરો સમય આપતાં કપિલે કહ્યું હતું કે ‘આપણે ત્યાં બીજી ઘણી ટીમો આવી હતી. વધુપડતી આશા સારી નહીં. કોઈ પણ બાબતને બઢાવી-ચઢાવીને હદ બહાર મોટી કરવામાં આવે તો નિરાશ થવું પણ પડે. સ્પોર્ટ્સને સ્પોર્ટ્સની રીતે જ લેવું જોઈએ. જે દિવસે જે ટીમ વધુ સારું રમી હોય એના પર્ફોર્મન્સને માન આપવું જોઈએ. આપણે ઘણી વાર બહુ ભાવુક થઈ જતા હોઈએ છીએ.’
ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેના પરાજય પહેલાં ભારત તમામ ૧૦ મૅચ જીત્યું હતું, જેમાંના મોટા ભાગના મુકાબલા વન-સાઇડેડ થયા હતા.
છેલ્લાં ૧૦ વર્ષમાં ભારત ૮માંથી ૭ આઇસીસી ટુર્નામેન્ટની નૉકઆઉટ મૅચમાં હારી ગયું છે.