ધોની પાસેથી શીખ્યો છું મૅચ જીતવાની કળા : ચાહર

23 July, 2021 01:48 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચેન્નઈની ટીમ તરફથી રમતા યુવા બોલર દીપક ચાહરે કહ્યું કે માહીની મારા પર બહુ મોટી અસર છે

દીપક ચાહર

શ્રીલંકા સામે બીજી વન-ડે બૅટિંગની કમાલથી ભારતને જિતાડનાર ફાસ્ટ બોલર દીપક ચાહરે કહ્યું કે હું લક્ષ્યાંકનો પીછો કરવાની કળા મહેન્દ્ર સિંહ ધોની પાસેથી શીખ્યો છું. ચાહરે આઠમા ક્રમાંકે બૅટિંગ કરી નૉટઆઉટ ૬૯ રન બનાવ્યા હતા. ૨૭૬ રનના લક્ષ્યાંકનો પીછો કરતી ભારતીય ટીમ એક સમયે ૧૯૩ રનમાં ૭ વિકેટ ગુમાવી ચૂકી હતી. ચાહરે ત્યાર બાદ ભુવનેશ્વર કુમાર સાથે મળીને મૅચમાં ભારતની વાપસી કરાવી અને ભારતને સિરીઝમાં ૨-૦થી અજેય લીડ પણ અપાવી.

દીપક ચાહરે કહ્યું કે ‘ધોનીની મારા પર બહુ મોટી અસર છે. માત્ર ચેન્નઈની ટીમ માટે જ નહીં, પણ શરૂઆતથી અમે જોયું હતું કે ધોની કઈ રીતે ભારે રસાકસીવાળી મૅચ જિતાડે છે. તેઓ હંમેશાં મને કહેતા કે મૅચમાં છેલ્લી સુધી લઈ જવાનું તમારા હાથમાં છે. જો તમે આવું કરી શકતા હો અને તમારી પાસે ઓવર બાકી હોય તો મૅચ રોમાંચક થઈ શકે છે.’ ત્રીજી વન-ડે પહેલાં તેણે કહ્યું હતું કે હું એ જ કરી રહ્યો હતો. મૅચને છેલ્લી ઓવર સુધી ખેંચી રહ્યો હતો.

સ્લો ઓવર રેટ બદલ શ્રીલંકાને દંડ

કોલંબોમાં ભારત સામે રમાયેલી બીજી વનડ-ડેમાં સ્લો ઓવર રેટ બદલ શ્રીલંકાની ટીમને મૅચ-ફીના ૨૦ ટકાની રકમનો દંડ કરવામાં આવ્યો છે. આઇસીસીના રેફરી રંજન મદુગલેએ નિયત સમયમાં એક ઓવર ઓછી નાખવાના બદલામાં આ દંડ ફટકાર્યો હતો. કૅપ્ટન દાસુન શંકરાએ ગુનો કબૂલી લેતાં કોઈ પણ સુનાવણીની જરૂર પડી નહોતી.

sports sports news cricket news india ms dhoni mahendra singh dhoni