ભારતે ૨૦ મિનિટમાં ગુમાવી દીધો ઐતિહાસિક ટી૨૦ ગોલ્ડ

09 August, 2022 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ૩૪ રનમાં છેલ્લી ૮ વિકેટ ગુમાવી દીધી અને હરમન ઍન્ડ કંપની માટે સુવર્ણચંદ્રક ફેરવાઈ ગયો રજત પદકમાં

મેડલ સેરિમનિ

૨૦૦૭ની ૨૪ સપ્ટેમ્બરે જોહનિસબર્ગમાં મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ભારતીય ટીમે સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. ૨૦૨૦ની ૮ માર્ચે મેલબર્નમાં ભારતીય મહિલા ટીમને પહેલી વાર ટી૨૦ વિશ્વકપની ટ્રોફી જીતવાનો સારો મોકો હતો, પણ ફાઇનલમાં લેનિંગની ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને નડી હતી અને હરમનની કૅપ્ટન્સીમાં વિમેન્સ ઇન બ્લુ ઐતિહાસિક ટ્રોફીથી વંચિત રહી ગઈ હતી. રવિવારે બર્મિંગહૅમમાં ફરી એક વાર હરમનની ટીમને નવો ઇતિહાસ સર્જવાની સારી તક હતી, પરંતુ બૅટર્સે હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી અને કૉમનવેલ્થ ગેમ્સનો ઐતિહાસિક સૌપ્રથમ ટી૨૦ ગોલ્ડ મેડલ ભારતે ગુમાવ્યો. ભારતે ૧૬૨ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં આખરી ૨૦ મિનિટમાં ૩૪ રનમાં છેલ્લી ૮ વિકેટ ગુમાવી દીધી હતી.

હાથમાં આવેલો ગોલ્ડ ગુમાવ્યો

ભારતીય બોલર્સે ખૂબ મહેનત કરીને ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને ફાઇનલમાં ૧૬૧/૮ના સ્કોર સુધી સીમિત રાખી હતી. ભારતનું ઓપનિંગ સારું નહોતું. ઇન્ફૉર્મ શેફાલી (૧૧ રન) અને મંધાના (૬) ખૂબ સસ્તામાં પૅવિલિયનભેગી થઈ ગઈ હતી, પરંતુ મુંબઈમાં રહેતી વનડાઉન રૉડ્રિગ્સ (૩૩ રન, ૩૩ બૉલ, ત્રણ ફોર) અને કૅપ્ટન હરમનપ્રીત (૬૫ રન, ૪૩ બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે એવી ભાગીદારી થઈ હતી કે ભારત માટે સુવર્ણચંદ્રક હાથવેંતમાં લાગતો હતો. તેમણે ટીમ-સ્કોર બાવીસ રન પરથી ૧૧૮ સુધી પહોંચાડ્યો હતો. હરમન પાંચ વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં અણનમ ૧૭૧ રનની જે ધમાકેદાર ઇંનિગ્સ રમી હતી એવું પર્ફોર્મ રવિવારની મૅચમાં કર્યું હતું. આ સ્ટાઇલિશ બૅટરે ડ્રાઇવ્ઝ અને લૉફ્ટેડ તથા સ્વીપ શૉટ્સથી ઑસ્ટ્રેલિયન ટીમને ચિંતામાં મૂકી દીધી હતી. સામા છેડે જેમાઇમાએ લાગ મળ્યો ત્યારે બાઉન્ડરી ફટકારતી રહીને ડિફેન્સિવ અપ્રોચ સાથે કૅપ્ટનને સારો સાથ આપ્યો હતો.

ભાગીદારી તૂટતાં ગોલ્ડ છીનવાઈ ગયો

હરમન-જેમાઇમા વચ્ચેની ત્રીજી વિકેટની ૯૬ રનની ભાગીદારીને લીધે એક તબક્કે ભારતે ૩૪ બૉલમાં ૪૪ રન બનાવવાના બાકી હતા અને એની ૮ વિકેટ બાકી હતી. જોકે પેસ બોલર મેગન શટે ભારતીય ટીમને પરાજયની દિશામાં મોકલવાની શરૂઆત કરી હતી. તેના બૉલમાં જેમાઇમાએ ઑફ સ્ટમ્પની ખૂબ બહાર જઈને શૉટ મારવાના પ્રયાસમાં બેલ્સ ગુમાવી દીધી હતી. તે ક્લીન બોલ્ડ થતાં હરમન જાણે પોતાની ગેમ પરથી કાબૂ ગુમાવી બેઠી હતી.

છેલ્લી પાંચ વિકેટમાં ત્રણ રનઆઉટ

‍પોતાની પહેલી ઓવરમાં શેફાલીની વિકેટ લઈ ચૂકેલી ઑફ સ્પિનર ગાર્ડનર ત્રાટકી હતી. તેણે વસ્ત્રાકર (૧)ને કૅચઆઉટ કરાવ્યા બાદ બીજા બૉલમાં હરમનને વિકેટકીપર હિલીના હાથમાં કૅચઆઉટ કરાવી હતી. જોકે હરમન સ્કૂપ મારવા જતાં હિલીને જમણી દિશામાં કૅચ આપી બેઠી હતી. એ સાથે જ ગોલ્ડ ભારતના હાથમાંથી છીનવાઈ ગયો હતો. ગાર્ડનર હૅટ-ટ્રિક પર હતી, પરંતુ એમાં સફળ નહોતી થઈ. ઑલરાઉન્ડર દીપ્તિ (૧૩) અને સ્નેહ રાણા (૮)ની જોડી પર વિજયની આશા હતી, પરંતુ એ ક્ષણજીવી નીવડી હતી. સ્નેહ સહિત છેલ્લી પાંચમાંથી ત્રણ બૅટર્સ રનઆઉટ થઈ હતી. ભારતીય ટીમ સાવ દિશાહીન થઈ ગઈ હતી અને ઑસ્ટ્રેલિયન ટીમે એનો ફાયદો ઉઠાવીને વર્ચસ જમાવી લીધું હતું. ૧૫મી ઓવરમાં ભારતનો સ્કોર બે વિકેટે ૧૧૮ હતો, પરંતુ ધબડકો થયા પછી ૨૦મી ઓવરના ત્રીજા બૉલમાં ૧૦મી વિકેટ પડી ગઈ હતી.

વિકેટકીપર તાનિયા ભાટિયા માથામાં ઈજા થતાં (રિટાયર્ડ કંકશન થતાં) બૅટિંગમાં નહોતી આવી અને આઇસીસીના નવા નિયમ મુજબ તેના સ્થાને ૧૨મા નંબરની પ્લેયર યાસ્તિકા ભાટિયાને બૅટિંગમાં બોલાવવામાં આવી હતી, પરંતુ તે બે જ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

ઇંડિયન વુમેન્સ ક્રિકેટ ટીમ

બોલિંગમાં રેણુકા, સ્નેહ ઝળકી હતી

ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ લીધા પછી વિકેટકીપર અલીસા હિલીની સસ્તામાં વિકેટ ગુમાવી હતી, પણ બેથ મૂની (૬૧ રન, ૪૧ બૉલ, આઠ ફોર) અને કૅપ્ટન લેનિંગ (૩૬ રન, ૨૬ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની ૭૨ રનની ભાગીદારીએ ભારતીય પ્લેયર્સને હંફાવી હતી. ગાર્ડનરે પચીસ રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સમાં પેસ બોલર રેણુકા સિંહ અને ઑફ સ્પિનર સ્નેહ રાણાએ બે-બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને રાધા યાદવ એક-એક વિકેટ લઈ શકી હતી.

ફાઇનલના અંતે ઑસ્ટ્રેલિયન ટીમને ગોલ્ડ, ભારતીય ટીમને સિલ્વર અને ન્યુ ઝીલૅન્ડની ટીમને બ્રૉન્ઝ મેડલ એનાયત થયા હતા.

sports news sports cricket news indian womens cricket team t20 australia