આઇપીએલની કમાણીથી કોરોનાગ્રસ્ત પપ્પાની બેસ્ટ સારવાર કરાવી શકીશ

08 May, 2021 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોરાષ્ટ્રના યુવા પેસ બોલર ચેતન સાકરિયાએ રાજસ્થાન રૉયલ્સ તરફથી મળેલું પાર્ટ પેમેન્ટ તરત જ ઘરે મોકલી આપ્યું

ચેતન સાકરિયા

સૌરાષ્ટ્રના યુવા પેસ બોલર અને આ આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી શાનદાર પર્ફાર્મ કરનાર ચેતન સાકરિયાના પિતાનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઇપીએલ અટકી પડતાં ચેતન પણ આ મુશ્કેલ સમયમાં ઘરે પહોંચી ગયો છે અને પિતાની સારવારમાં વ્યસ્ત થઈ ગયો છે.

ચેતને કહ્યું કે ‘મારા પિતા કોરોનાગ્રસ્ત થયા હોવાની જાણકારી મને એક અઠવાડિયા પહેલાં મળી હતી. નસીબજોગ મને થોડા દિવસ પહેલાં જ રાજસ્થાને મારા પેમેન્ટનો પહેલા પાર્ટ આપ્યો હતો. મેં તરત જ એ પૈસા ઘરે મોકલી આપ્યા હતા, જેથી આ સંકટની ઘડીમાં પરિવારને કામ લાગે.’

આઇપીએલના નિયમ પ્રમાણે તમે કૅમ્પમાં જોડાઓ ત્યારે ખેલાડીને તેના પેમેન્ટના ૩૦ ટકા રકમ મળે છે અને અડધી આઇપીએલ બાદ ૫૦ ટકા અને છેલ્લે ૨૦ ટકા રકમ મળે છે.

ચેતનની કમાણીથી તેનો પરિવાર નભી રહ્યો છે અને તેને માટે ક્રિકેટ જ એકમાત્ર કમાણીનું સાધન છે. એ બાબતે ચેતને કહ્યું કે ‘લોકો કહે છે કે આઇપીએલ બંધ કરી દો. મારે તેમને કહેવું છે કે મારી ફૅમિલીમાં એકમાત્ર હું જ કમાઉં છું અને મારા માટે કમાણીનો એકમાત્ર સ્રોત ક્રિકેટ જ છે. મને આઇપીએલમાંથી પૈસા મળ્યા એટલે આજે હું મારા પિતાની બેસ્ટ સારવાર કરાવી શકીશ. જો આ આઇપીએલ રમાઈ જ ન હોત તો હું મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હોત. હું ગરીબ પરિવારમાંથી આવું છું અને મારા પિતાએ જિંદગીભર ટેમ્પો ચલાવ્યો છે, પણ આજે આઇપીએલને લીધે મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે.’

પ્રથમ જ વાર આઇપીએલમાં રમનાર ચેતને ૭ મૅચમાં ૭ વિકેટ લીધી હતી. તેણે બે વાર ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તેણે એક-બે અદ્ભુત કૅચ પકડીને ફીલ્ડિંગ વડે પણ લોકોને પ્રભાવિત કર્યા છે.

sports sports news indian premier league ipl 2021 rajasthan royals