18 February, 2025 07:00 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન વિરાટ કોહલી તેમ જ પગમાં બૉલ વાગતાં ટ્રીટમેન્ટ લઈ રહેલો વિકેટકીપર રિષભ પંત.
૧૫ ફેબ્રુઆરીએ દુબઈ પહોંચેલી ભારતીય ટીમે ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. યાત્રાનો થાક ઉતારવાને બદલે આરામ કર્યા વગર ભારતીય ટીમ ગઈ કાલે ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યે દુબઈની ICC ઍકૅડેમી ખાતે પ્રૅક્ટિસ કરવા પહોંચી હતી. પહેલા પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન વિકેટકીપર-બૅટર રિષભ પંતને ઘૂંટણ પર બૉલ વાગ્યો હતો. અસહ્ય દુખાવાથી પીડાતા રિષભ પંતની સારવાર ટીમના ફિઝિયોએ કરી હતી. દુખાવાને કારણે મેદાન પર પડી રહેલા રિષભ પંતે થોડા સમય માટે મેદાન પણ છોડવું પડ્યું હતું.
અહેવાલ અનુસાર ભારતીય ટીમના પ્લેયરો સંભવતઃ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપશે નહીં. આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે મેન ઇન બ્લુ ટુર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરવા માગે છે. ભારત ૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામે એની પહેલી મૅચ રમશે. રોહિત શર્મા અને કંપની સીધી કામકાજમાં લાગી ગઈ છે. ભારતનો ઇરાદો સ્પષ્ટ છે કે કોઈ વિરામ અને વિક્ષેપ વગર ફક્ત ટ્રોફી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. ભારતીય ટીમ છેલ્લે ૨૦૧૩માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. એ પહેલાં ૨૦૦૨માં ભારતીય ટીમે શ્રીલંકા સાથે ટ્રોફી શૅર કરી હતી.