11 March, 2025 01:19 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો શ્રેયસ ઐયર.
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય વિજયકૂચમાં મિડલ ઑર્ડર બૅટર શ્રેયસ ઐયર સાયલન્ટ હીરો રહ્યો છે. પાંચ મૅચમાં ચાર વાર ૪૦ પ્લસ રનની ઇનિંગ્સ રમીને શ્રેયસ ઐયરે ૨૪૩ રન બનાવ્યા છે. મુંબઈના સ્ટાર બૅટરે ચોથા ક્રમે રહીને ધમાકેદાર બૅટિંગ કરી છે. તે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત તરફથી હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો છે. ચોથા ક્રમે ૨૪૩ રન ફટકારીને તેણે ચૅમ્પિયન્સ ટ્રોફીનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે ૨૦૦૬નો ઑસ્ટ્રેલિયાના ડૅમિયન માર્ટિનનો એક સીઝનમાં ૨૪૧ રન કરવાનો રેકૉર્ડ તોડ્યો છે.
નોંધવા જેવી બાબત એ છે કે ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)નો કૉન્ટ્રૅક્ટ ગુમાવ્યા બાદ શ્રેયસે બૅટથી શાનદાર પ્રદર્શન કરીને પોતાની જાતને સાબિત કરી છે. છેલ્લા એક વર્ષમાં તેણે BCCI પ્રેસિડન્ટ રૉજર બિન્નીના હાથે IPL ટ્રોફી, ઈરાની કપ, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને હવે ચૅમ્પિયન્સ ટ્રોફી, મેડલ અને આઇકૉનિક વાઇટ જૅકેટ મેળવ્યાં છે.