16 February, 2023 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય શાહ અને ચેતન શર્મા
બીસીસીઆઇની સિલેક્શન કમિટીના ચૅરમૅન ચેતન શર્માએ મંગળવારના સ્ટિંગ ઑપરેશનમાં ટીમ ઇન્ડિયાની સિલેક્શનને લગતી બાબતો તેમ જ અન્ય મુદ્દાઓ પર ચોંકાવનારાં તથા ધારદાર નિવેદનો કરતાં જે અભૂતપૂર્વ વિવાદ થયો છે એમાં હવે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ જ ચેતન શર્માનું ભાવિ નક્કી કરશે એવું ગઈ કાલે કેટલાંક આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના નબળા દેખાવને પગલે ચેતન શર્માને ચીફ સિલેક્ટરપદેથી હટાવાયા હતા, પરંતુ પછીથી અનેક અરજીઓ આવવા છતાં બીસીસીઆઇ દ્વારા તેમને ફરી એ હોદ્દો સોંપાયો હતો. ઝી ન્યુઝ ચૅનલના સ્ટિંગ ઑપરેશનમાં ચેતન શર્માએ કહ્યું હતું કે ‘કોહલી અને રોહિત એમ બે જૂથમાં ભારતીય ટીમ વહેંચાઈ ગઈ છે. ગાંગુલીને કોહલી જરાય પસંદ નહોતો. કોહલીએ મીડિયામાં ગાંગુલીની બદનામીનો પ્રયાસ કર્યો હતો. જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર છે. તે વાંકો પણ નથી વળી શકતો. ભારતના અમુક અનફિટ ખેલાડીઓ ૮૦ ટકા જેટલી ફિટનેસ હોય ત્યારે ગુપ્ત રીતે ઇન્જેક્શન લઈને ફિટ થઈ જતા હોય છે. તેઓ જો પેઇનકિલર ઇન્જેક્શન લે તો ડોપિંગમાં પકડાઈ જાય એટલે તેઓ એવાં ઇન્જેક્શન લે છે જેને લીધે તેઓ ડોપિંગમાં પકડાઈ ન શકે.’
ચેતન શર્માએ એવું પણ જણાવ્યું હોવાનું મનાય છે કે ‘કોહલી અને ગાંગુલી બન્નેના ઈગો ટકરાતા હતા. ટીમમાં કોહલીનું અને રોહિતનું જૂથ એમ બન્નેનાં ગ્રુપ પડી ગયાં છે.’
બીસીસીઆઇના એક અધિકારીએ એવું કહ્યું હોવાનું મનાય છે કે ‘ચેતન શર્માના ભાવિ વિશે જય શાહ નિર્ણય લેશે. જો ચેતન શર્માને કમિટીમાં ચાલુ રખાશે તો ટી૨૦નો સુકાની હાર્દિક પંડ્યા કે ઓડીઆઇ તથા ટેસ્ટનો કૅપ્ટન રોહિત શર્મા ચેતન શર્માની કમિટીમાં બેસવાનું પસંદ કરશે કે નહીં એ મોટો સવાલ છે, કારણ કે ચેતન શર્માએ અંદરની ચર્ચાની વાતો બહાર પાડી દીધી છે.’