હરમનપ્રીત-મંધાના સાથે હવે દીપ્તિને પણ બીસીસીઆઇનો ‘એ’ ગ્રેડનો કૉન્ટ્રૅક્ટ

28 April, 2023 11:42 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્ષે ૫૦ લાખ રૂપિયાનો પગાર : રિચા-રેણુકા ‘બી’ ગ્રેડમાં, પણ શિખા અને પૂનમ કૉન્ટ્રૅક્ટની બહાર

દીપ્તિ શર્મા

દેશની મહિલા ક્રિકેટર્સ માટેના બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સર્વોચ્ચ ‘એ’ ગ્રેડના કૉન્ટ્રૅક્ટમાં હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના સાથે ઑલરાઉન્ડર દીપ્તિ શર્માને પણ સામેલ કરવામાં આવી છે. આ કૅટેગરીની દરેક પ્લેયરને વર્ષે ૫૦ લાખ રૂપિયાનો પગાર અપાય છે. વિકેટકીપર-બૅટર રિચા ઘોષને અને ફાસ્ટ બોલર રેણુકા સિંહને ‘બી’ ગ્રેડમાં જેમાઇમા રૉડ્રિગ્સ, શેફાલી વર્મા, રાજેશ્વરી ગાયકવાડ સાથે સમાવવામાં આવી છે. ગયા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં રેણુકાનું મોટું યોગદાન હતું. ઝુલન ગોસ્વામીની નિવૃત્તિ પછી તે હવે ભારતની મુખ્ય ફાસ્ટ બોલર છે.

ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર શિખા પાન્ડેને ‘બી’ ગ્રેડમાં સમાવવામાં આવી હતી અને તેને હવે કોઈ કૉન્ટ્રૅક્ટ નથી અપાયો. ખરેખર તો ૩૦ લાખ રૂપિયાના વાર્ષિક પગારવાળા ‘બી’ ગ્રેડમાં ખેલાડીઓની સંખ્યા દસથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. ૧૦ લાખ રૂપિયાના વાર્ષિક પગારના ‘સી’ ગ્રેડમાં પ્લેયર્સની સંખ્યા છથી વધારીને નવ કરવામાં આવી છે.

ભારતીય વિમેન પ્લેયર્સની હવે પછીની સિરીઝ જૂનમાં બંગલાદેશમાં રમાશે. ભારતીય મહિલા ટીમ હાલમાં હેડ-કોચ વિનાની છે. ભૂતપૂર્વ ઑફ-સ્પિનર રમેશ પોવારને હોદ્દો છોડવાની ફરજ પાડવામાં આવ્યા પછી ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં એ જવાબદારી ભૂતપૂર્વ બૅટર હૃષીકેશ કાનિટકરને સોંપાઈ હતી અને તેના કોચિંગમાં ભારત સેમી ફાઇનલ સુધી પહોંચ્યું હતું.

બીસીસીઆઇ સાથેના કૉન્ટ્રૅક્ટમાં કયા ગ્રેડમાં કઈ મહિલા પ્લેયર સામેલ?
 
‘એ’ ગ્રેડ (વાર્ષિક પગાર ૫૦ લાખ રૂપિયા) : હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા.
 
‘બી’ ગ્રેડ (વાર્ષિક પગાર ૩૦ લાખ રૂપિયા) : જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ, શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, રાજેશ્વરી ગાયકવાડ.
 
‘સી’ ગ્રેડ (વાર્ષિક પગાર ૧૦ લાખ રૂપિયા) : મેઘના સિંહ, દેવિકા વૈદ્ય, એસ. મેઘના, અંજલિ સરવાની, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રાધા યાદવ, હર્લીન દેઓલ અને યાસ્તિકા ભાટિયા.
 
મહિલાઓને પુરુષો જેટલી જ મૅચ-ફી મળે છે
 
છ મહિના પહેલાં બીસીસીઆઇએ ભારતીય નૅશનલ વિમેન ટીમની પ્રત્યેક ખેલાડીને (પુરુષ ક્રિકેટર્સ જેટલી જ) મૅચ-ફી આપવાની જાહેરાત કરી હતી. એ મુજબ હવેથી દરેક મહિલા ખેલાડીને એક ટેસ્ટ રમવાના ૧૫ લાખ રૂપિયા, એક વન-ડે રમવાના ૬ લાખ રૂપિયા અને એક ટી૨૦ ઇન્ટરનૅશનલ રમવાના ૩ લાખ રૂપિયા મળે છે. અગાઉ વિમેન ક્રિકેટર્સને એક ટેસ્ટ રમવાના ૨.૫૦ લાખ રૂપિયા તેમ જ એક વન-ડે તથા એક ટી૨૦ રમવાના એક-એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા.
sports news sports cricket news indian womens cricket team harmanpreet kaur board of control for cricket in india