પાકિસ્તાન સામેની મૅચ અન્ય મૅચ જેવી : કોહલી

17 October, 2021 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય કૅપ્ટનના મતે ટિકિટનું વેચાણ વધારવા માટે જાણીજોઈને માહોલ ઊભો કરાય છે

વિરાટ કોહલી

પાકિસ્તાન સામે આવતા રવિવારે રમાનારી ટી૨૦ વર્લ્ડ કપની મૅચને લઈને કરાતા ઊહાપોહને શાંત કરતા ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ એને અન્ય મૅચ જેવી જ મૅચ ગણાવી છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે વન-ડે કે ટી૨૦ વર્લ્ડ કપમાં ક્યારેય પરાજિત નથી થઈ. પાકિસ્તાનની ટીમના કૅપ્ટન બાબર આઝમે કહ્યું છે કે ૨૪ ઑક્ટોબરે રમાનારી મૅચમાં અમે ભારતને હરાવીશું.

મિત્રએ પણ માગી ટિકિટ

કોહલીએ જોકે આવો કોઈ પણ જાતનો દાવો ન કરતાં કહ્યું હતું કે આ મૅચને પણ હું અન્ય મૅચ જેવી જ ગણું છું. ટિકિટના વેચાણને વધારવા માટે આ મૅચને લઈને આવું વાતાવરણ તૈયાર કરવામાં આવે છે અને એને લીધે જ ટિકિટનાં કાળાબજાર થાય છે. મારા કેટલાક મિત્રોએ ટિકિટ માગી હતી, પરંતુ મેં ના પાડી દીધી છે. એક પ્રોફેશનલ ખેલાડી તરીકે આ મૅચ રમવી જોઈએ.

ધોની વધારશે જોશ

ટીમના મેન્ટર તરીકે ધોનીની નિમણૂકની પ્રશંસા કરતાં કોહલીએ કહ્યું કે ‘તેની પાસે ઘણો અનુભવ છે. અમે જ્યારે નવા હતા ત્યારે તે અમારા બધાનો મેન્ટર હતો. કરીઅરની શરૂઆતમાં મોટી ટુર્નામેન્ટમાં રમનારા યુવા ખેલાડીઓને તેના થકી ઘણો લાભ થશે. એની સલાહ તેમની રમતમાં એક-બે ટકાનો સુધરો કરશે. વળી તેની હાજરી અમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.’

કેમ ચહલને બદલે ચાહર?

યુઝવેન્દ્ર ચહલને બદલે રાહુલ ચાહરની પસંદગી વિશે કોહલીએ કહ્યું કે ‘યુએઈની પિચો પર ધીમી બોલિંગ કરતાં ફાસ્ટ બોલિંગ કરનાર ચાહરને પસંદ કરવામાં આવ્યો છે. આઇપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે કરેલા સાતત્યભર્યા પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. શ્રીલંકામાં અને ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પણ ચાહરે સારી બોલિંગ કરી હતી.

sports sports news cricket news t20 world cup india pakistan virat kohli