શુભમન ગિલ સાથે ઓપનિંગમાં પુજારા અથવા વિહારીને મોકલો : આગરકર

30 June, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિચ ટર્ન અપાવનારી હશે તો જાડેજા-અશ્વિનને સાથે રમાડાશે

ફાઇલ તસવીર

આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરે ગઈ કાલે બપોરે એક વર્ચ્યુઅલ વાતચીત દરમ્યાન કહ્યું હતું કે જો રોહિત શર્મા ઇંગ્લૅન્ડ સામે શુક્રવારે શરૂ થનારી ટેસ્ટમાં ન રમવાનો હોય તો તેની ગેરહાજરીમાં શુભમન ગિલની સાથે ઓપનિંગમાં ચેતેશ્વર પુજારા અથવા હનુમા વિહારીને મોકલવો જોઈએ.

આગરકરનું માનવું એવું હતું કે ‘વિકેટકીપર કે. એસ. ભરત (સાતમા નંબરે રમીને અણનમ ૭૦ તથા ઓપનિંગમાં ૪૩) તાજેતરની વૉર્મ-અપ મૅચમાં સારું રમ્યો હતો એ હું જાણું છું. મયંક અગરવાલને ઉતાવળે બોલાવાયો હોવાથી તે ટેસ્ટ માટે પૂરતી પ્રૅક્ટિસ કરી શક્યો છે કે નહીં એની તો મને ખબર નથી, પણ હું એવું માનું છું કે ગિલની સાથે ઓપનિંગમાં અનુભવી જોડીદાર હોય તો સારું અને એ માટે હું પુજારા અને વિહારીનાં નામ સૂચવું છું.’

પુજારા ટેસ્ટ-ક્રિકેટમાં સાત વાર ઓપનિંગમાં રમી ચૂક્યો છે. છેલ્લે તે ઈજાગ્રસ્ત ગિલની ગેરહાજરીમાં ગયા વર્ષે મુંબઈમાં ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમ્યો હતો. વિહારીએ ટેસ્ટમાં એક જ વાર દાવની શરૂઆત કરી છે.

આવતી કાલે શરૂ થનારી ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ગયા વર્ષે અધૂરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી મૅચ છે. ભારત સિરીઝમાં ૨-૧થી આગળ છે. ગયા વર્ષની ચારેય ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાને રમાડવામાં આવ્યો હતો અને મોટા ભાગે ટીમમાં ત્રણથી ચાર પેસ બોલર્સ જ હતા. આગરકરનું એવું માનવું છે કે ‘એજબૅસ્ટનની પિચ કેવી છે અને બીજી પરિસ્થિતિ કેવી રહેશે એના પર બધો આધાર રહેશે. જાડેજા અને અશ્વિન બન્નેને રમાડવાના મુદ્દે ટીમ મૅનેજમેન્ટમાં ચર્ચા જરૂર થતી હશે. જોકે પિચ પર ઘણું ઘાસ હશે અને પેસ તથા સીમ બોલર્સને વધુ મદદ મળી રહે એવી પિચ હશે તો ટીમમાં ત્રણથી ચાર ફાસ્ટ બોલર્સને લેવામાં આવશે.’

sports sports news cricket news india england test cricket