ટીમમાં રહેવું હોય તો સતત સારો પર્ફોર્મન્સ આપવો પડે : ઐયર

13 August, 2019 02:31 PM IST  |  પોર્ટ ઑફ સ્પેન

ટીમમાં રહેવું હોય તો સતત સારો પર્ફોર્મન્સ આપવો પડે : ઐયર

શ્રેયસ ઐયર

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મૅચમાં કૅપ્ટન વિરાટ કોહલી સાથે ચોથી વિકેટ માટે ૧૨૫ રનની ભાગીદારી કરી શ્રેયસ ઐયરે પોતાના ટેલન્ટને છતું કર્યું છે. તેણે પોતે ૬૮ બૉલમાં ૭૧ રનની ઇનિંગ રમી હતી. છેલ્લા કેટલાક સમયથી શ્રેયસની પારીમાં સારો પર્ફોર્મન્સ જોવા મળતાં તે પોતે ઘણો કૉન્ફિડન્સ બન્યો છે. એ વિશે વધુ જણાવતાં શ્રેયસે કહ્યું હતું કે ‘ટીમમાં જો કાયમ રહેવું હોય તો સતત સારો પર્ફોર્મન્સ આપવો પડે છે. મારે ટીમ માટે સારું રમવું છે અને ટીમ માટે કોન્ટ્રિબ્યુટ કરવું છે.’

શ્રેયસે ગયા મહિને પણ વેસ્ટ ઇન્ડીઝ સામેની ટૂરમાં બે વાર હાફ સેન્ચુરી ફટકારી હતી અને રવિવારે રમાયેલી મૅચમાં પણ તેણે ધૈર્યપૂર્વક બૅટિંગ કરી હતી. આ વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું કે ‘એ સારો દિવસ હતો. હું જાણતો હતો કે હું આજે સારું રમીશ. ઇન્ડિયા ‘એ’ માટે પણ આ ગ્રાઉન્ડ પર હું રમ્યો છું અને મારા ખ્યાલથી હું સારું પર્ફોર્મ કરી શક્યો.’

આ પણ વાંચો : દરેક નાની મોમેન્ટ્સને હું એન્જૉય કરવા માગું છું : કોહલી

સ્કિપર વિરાટ કોહલી સાથે રમતી વખતે જે અનુભવ થયો એ વિશે વાત કરતાં શ્રેયસે કહ્યું કે ‘કોહલીએ મને બૅટિંગ દરમ્યાન ઘણો સપોર્ટ કર્યો હતો. જોકે મેં નક્કી કર્યું હતું કે મારે કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી લેવું અને કોહલીએ પણ મને એ જ કીધું કે આપણે એક લાંબી પાર્ટનરશિપ બનાવવાની છે. આપણે એક-બે રન લેતા રહીશું અને બાઉન્ડરી આવે તો જરૂરથી મારજે. અમે લગભગ ૨૫૦નો સ્કોર નક્કી કર્યો હતો જે સારો હતો. તેણે મને એમ પણ કહ્યું હતું કે ઓછામાં ઓછી ૪૫મી ઓવર સુધી રમતો રહેજે છતાં હું જે પ્રમાણે ગેમ મૅનેજ કરી શક્યો એ માટે હું ઘણો ખુશ છું.’

shreyas iyer cricket news sports news india west indies