14 September, 2026 12:52 PM IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
જોઈ લો `ગોલ્ડન ગણેશા` (તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા)
આજે દેશભરમાં ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026) ઉજવાઈ રહી છે ત્યારે આ ગણેશોત્સવે હૈદરાબાદ (Hyderabad)ના બેગમ બજાર (Begum Bazar)માં ચમકી રહેલી દિવ્ય મૂર્તિ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. ૨૪-કેરેટ સોનાથી મઢેલી અને ૩.૮૩ લાખ જેટલા અદ્ભુત અમેરિકન ડાયમંડ્સ (હીરા)થી જડિત ભગવાન ગણેશની આ ભવ્ય પ્રતિમા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઝળહળતા ‘ગોલ્ડન ગણેશ’ ની એક ઝલક મેળવવા અને દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી રહી છે.
તેલંગણા (Telangana)માં ગણેશોત્સવના શુભ આગમન સાથે જ હૈદરાબાદમાં ૩.૮૩ લાખથી વધુ અમેરિકન ડાયમંડ્સ (અમેરિકન હીરા થી મઢેલી અને ૨૪-કેરેટ ગોલ્ડ-પ્લેટેડ ગણેશજીની અત્યંત મનોહર મૂર્તિ ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. બેગમ બજારના ફિલખાના વિસ્તારમાં `લી-ચી કા રાજા` ગણેશોત્સવ પંડાલ માટે સ્થાપિત આ પ્રતિમા—જે લોકપ્રિય રીતે `ગોલ્ડન ગણેશ` તરીકે ઓળખાય છે; તેણે ભારે આકર્ષણ જમાવ્યું હતું.
લગભગ ૪૮ કિલોગ્રામ વજન ધરાવતી આ મૂર્તિ ૮ કુશળ કારીગરોની ૮ મહિનાની સખત મહેનતનું પરિણામ છે. આ જટિલ અને બારીક કારીગરીનું નેતૃત્વ હૈદરાબાદ સ્થિત જ્વેલરી હાઉસ `લીચી પર્લ્સ જ્વેલ્સ` દ્વારા કરવામાં આવ્યું હતું, જે પોતાના આભૂષણકામ માટે જાણીતું છે.
આ પ્રતિમા ૨૪-કેરેટ સોનાના પતરાથી કોટેડ છે અને તેના પર બરાબર ૩,૮૩,૮૦૦ ઉચ્ચ ગુણવત્તાવાળા અમેરિકન ડાયમંડ લગાવવામાં આવ્યા છે. કારીગરોએ અતિશય ઊંચાઈ ધરાવતી મૂર્તિ બનાવવાના બદલે ફાઇન ઓર્નામેન્ટલ ડિટેલિંગ અને ધાર્મિક શિલ્પકળાને પ્રાથમિકતા આપી છે, જેથી પંડાલની લાઇટિંગમાં મૂર્તિની સપાટી અદ્ભુત ઝગમગાટ પેદા કરે છે.
`લી-ચી કા રાજા` મૂર્તિની ડિઝાઇન ભારતના બે મુખ્ય ધાર્મિક સ્થળોના દિવ્ય તત્વોનું મિશ્રણ કરે છે. આયોજકોએ નોંધ્યું હતું કે મૂર્તિમાં મુંબઈના પ્રખ્યાત `લાલબાગચા રાજા`ની પ્રતિષ્ઠિત બેસવાની મુદ્રા અને રાજશાહી લુકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સાથે જ, તેમાં તિરુપતિ બાલાજીના ભગવાન વેંકટેશ્વરના પરંપરાગત શૃંગાર અને વિઝ્યુઅલ લુકની ઝલક પણ જોવા મળે છે. આ સુંદર સમન્વય ભક્તોને ભગવાન ગણેશનું એક પરિચિત છતાં અનોખું રૂપ આપે છે, જે તેને શહેરની અન્ય પરંપરાગત મૂર્તિઓથી અલગ પાડે છે.
૯ સપ્ટેમ્બરના રોજ મૂર્તિના આગમન સાથે જ બેગમ બજારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ચમકતી મૂર્તિને તેના નિર્ધારિત પંડાલ સુધી લઈ જવામાં આવી રહી હતી ત્યારે માર્ગ પર સેંકડો ભક્તો એકઠા થયા હતા અને સંગીત તથા ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર ગરબા અને નૃત્ય કર્યા હતા.
આ ગોલ્ડન ગણેશનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થયો હતો, જેને મૂર્તિની અદ્ભુત સુંદરતાના વખાણ કરતા નેટિઝન્સ તરફથી લાખો વ્યુઝ મળ્યા છે. ફિલખાના પંડાલ ખાતે ૧૦ દિવસીય ગણેશોત્સવની ઉજવણી તહેવાર દરમિયાન ચાલુ રહેશે, જ્યાં દર્શનાર્થે આવતા ભક્તો માટે દૈનિક આરતી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.