28 April, 2025 11:50 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
વૉશરૂમ વાપરવાની રસીદ
રાજસ્થાનના સુપ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરમાં જઈ રહેલી એક મહિલાએ તેના પરિવાર સાથે થયેલી એક વિચિત્ર ઘટના સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તેણે લખેલી વાતથી સોશ્યલ મીડિયા પર માનવતાના મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે. વાત એમ છે કે એક હોટેલે થોડીક મિનિટો માટે વૉશરૂમ વાપરવા બદલ તેના પરિવારને ૮૦૫ રૂપિયાનું બિલ પકડાવી દીધું હતું. મહિલાએ ઘટનાનું વર્ણન કરતાં પોસ્ટમાં લખ્યું હતું કે ‘અમે છ વાગ્યે હોટેલથી તૈયાર થઈને નીકળ્યા અને સાત વાગ્યે ખાટૂ શ્યામ મંદિરની લાઇનમાં ઊભા રહી ગયા. જોકે થોડીક વાર થતાં મારી મમ્મીના પેટમાં અચાનક મરોડ, દર્દ અને ઊલટી જેવું લાગવા લાગ્યું. આ સ્થિતિમાં તેઓ મંદિરની લાઇનમાંથી નીકળ્યાં. પરિસરમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નહોતી એટલે તેઓ પાસે આવેલી એક હોટેલમાં ગયાં અને વૉશરૂમ વાપરવાની રિક્વેસ્ટ કરી.’
હોટેલના રિસેપ્શન પર વિનંતી કરતાં એ લોકોએ વૉશરૂમ તો વાપરવા દીધું, પરંતુ એ પછી હોટેલના સ્ટાફે એ થોડીક મિનિટોના વપરાશ માટે ૮૦૫ રૂપિયા માગ્યા. મહિલાએ ખૂબ સમજાવવાની કોશિશ કરી, પરંતુ હોટેલવાળા માન્યા નહીં એટલે આખરે પૈસા આપવા પડ્યા. પૈસા આપીને મહિલાએ એની રસીદ માગી તો એ પણ આપી. મહિલાએ લખ્યું હતું કે ‘માત્ર વૉશરૂમ વાપરવાના ૮૦૫ રૂપિયા? એક પવિત્ર સ્થળ પાસે જ્યાં લોકો શ્રદ્ધા અને વિશ્વાસની શોધમાં આવે છે ત્યાં આવો અનુભવ ખૂબ દુખદ છે.’